December 22, 2024

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ નાંદોદના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઇ મતદાનકર્મીઓના ઉત્સાહમાં વર્ધન કર્યું

Share to

ઇવીએમ અને ૯૬ પ્રકારની સ્ટેશનરી લઇ કર્મયોગીઓ મતદાન મથક તરફ રવાના

પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ ૨૭૦ વસ્તુઓ હોય છે : ઇવીએમ અને વીવીપેટ ઉપરાંત ૨૮ વૈધાનિક અને ૧૫ બિનવૈધાનિક કવરો સાથે હોય છે ઢગલા જેટલો સામાન

પીનથી લઇ પતરી સુધી, દિવાસળીનું બોક્સ, મિણબત્તી, લાખ સહિતની વસ્તુઓ પોલિંગ પાર્ટીને આપવામાં આવે છે

   રાજપીપલા, સોમવાર :- મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાઇ તે માટે છેલ્લા ત્રણેક માસથી તનતોડ મહેનત કરી રહેલા નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ સોમવાર સવારના આઠ વાગ્યાથી જિલ્લાના નિયત રવાનગી મથકો ઉપરથી પોલિંગ પાર્ટીઓને રવાના કરવામાં આવી હતી. ચૂંટણીકર્મીઓ સુરક્ષા કવચ સાથે સાંજ સુધીમાં વિનાવિઘ્ને પોતાના મતદાન મથક ઉપર પહોંચી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે.

   નાંદોદ અને દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે નિયત કરવામાં આવેલા રવાનગી કેન્દ્રો ખાતે સંબંધિત પ્રતિપ્રેષક અધિકારીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બૂથની સંખ્યા પ્રમાણે ટેબલો ઉપરથી ઇવીએમ, વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આની પ્રથમ પ્રક્રીયા ટીમનું ગઠન હોય છે. સંબંધિત લોકસભા મતવિસ્તારના એઆરઓ  દ્વારા ઓબ્ઝર્વર ડો. સતીષ કુમારની ઉપસ્થિતિમાં છેલ્લું રેન્ડમાઇઝેશન કરી પોલિંગ સ્ટાફને ડ્યુટી આપવામાં આવી હતી. તે પ્રમાણે ટીમના સભ્યોને એકત્ર કરી આ સામગ્રી આપવામાં આવી હતી. કોઇ અનિવાર્ય સંજોગોમાં કોઇ કર્મચારી ગેરહાજર હોય તો તેના સ્થાને અનામત સ્ટાફમાંથી કોઇને ફરજ સોંપવામાં આવે છે. કુલ પોલિંગ સ્ટાફના ૧૦ ટકા સ્ટાફને અનામત રાખવામાં આવે છે.

   નાંદોદ બેઠક માટેના છોટુભાઇ પૂરાણી મહાવિદ્યાલયમાં ઉભા કરવામાં આવેલા ડિસ્પેચિંગ સેન્ટરની નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ મુલાકાત લીધી હતી અને નાંદોદ પ્રાંત અધિકારી શ્રી ડો. કિશનદાન ગઢવી પાસેથી ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ખાતે ચાલી રહેલી કામગીરી વિશે ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. કલેક્ટરશ્રીએ મતદાનકર્મીઓના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી. તેમની સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ઉંધાડ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મૌલિક દોંગા પણ જોડાયા હતા.

   આપણે ચારપાંચ મિનિટમાં મતદાન કરીને આપણી નૈતિક ફરજ નિભાવીએ છીએ. આપણી આ ફરજ માટે ઉભા કરવામાં આવતા બૂથ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે તે બાબતથી આપણે અજાણ છીએ. એક વાર પોલિંગ પાર્ટી બૂથ ઉપર પહોંચી જાય તે બાદ ત્યાં જ રાતવાસો કરતી હોય છે. એ દરમિયાન ચૂંટણી સામગ્રીઓની સુરક્ષા કરવાની હોય છે.

   આ પોલિંગ પાર્ટી સાથે ઇવીએમ, વીવીપેટ સહિતની કુલ ૯૬ પ્રકારની સ્ટેશનરી સામગ્રી હોય છે. જેની કુલ સંખ્યા ૨૭૦ થાય છે. મજાની વાત એ છે કે, આ સામગ્રીમાં દિવાસળીની પેટી, મિણબત્તી, અવિલોપ્ય શ્યાહી, વિશિષ્ટ નિશાનીવાળા રબ્બરના સિક્કા, હરિફ ઉમેદવારોની યાદી, વિવિધ પ્રકારના કવર હોય છે. તેમાં ૨૮ પ્રકારના વૈધાનિક કવર અને ૧૫ પ્રકારના બિનવૈધાનિક કવરો હોય છે. આ ઉપરાંત વિવિધ નિશાનીવાળા પાટિયા જેમાં શાંતિ રાખો, લાઇનમાં ઉભા રહો, અંદર જવાનો માર્ગ, બહાર નિકળવાનો માર્ગ સહિતની સૂચના આપતા પાટિયાઓ મુખ્યત્વે હોય છે.

   લેખન સામગ્રીમાં એક સામાન્ય પેન્સીલ, ત્રણ વાદળી અને એક લાલ મળી કુલ ચાર બોલપેન, આઠ કોરા કાગળ, ૨૫ નંગ પીન, સીલ મારવા માટેની લાખના ૬ ટૂકડા, ગમપેસ્ટ, પતરી, પાતળી વળ આપેલી સૂતળી ૨૦ મિટર, ધાતુની પટ્ટી, કાર્બન પેપર, એક ગાભો, રબર બેન્ડ, સેલોટેપ હોય છે. 

   વીવીપેટ સાથે મતદાન ટૂકડીને જાડા કાગળના બનેલા કવર, કાળા કાગળને સીલ કરવાનું પ્લાસ્ટિકનું બોક્સ, પ્લાસ્ટિક બોક્સને સીલ કરવા માટે પિંક પેપર સીલ, મોકપોલ સ્લીપ સ્ટેમ્પ, મત કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર ઉપરાંત એક હેન્ડબૂક પણ આપવામાં આવે છે. મતદાનકર્મીઓ માટે છાયડો, પાણી, ભોજન, કુલર સહિત આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી.


Share to

You may have missed