‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના શુભારંભ પ્રસંગે રાજ્યના વિકાસ કમિશનરશ્રી અને નાંદોદના ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિ
આધુનિક રથ ૨૨૨ ગ્રામ પંચાયત અને ૫૬૨ ગામોમાં ભ્રમણ કરીને કેન્દ્ર-રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનાઓની માહિતી અંગે લોકજાગૃતિનો સંદેશ પ્રસરાવશે
કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની પાત્રતા ધરાવતા લોકોને લાભ આપવામાં આવશે
મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને પ્રતિકાત્મક ચેક/સહાય વિતરણ : આદિવાસી સંસ્કૃતિ અને વારસાનો પરિચય કરાવતા સાંસ્કૃતિક નૃત્યથી પ્રભાવિત થતા ઉપસ્થિત મહાનુભાવો
—-
રાજપીપલા, બુધવાર :- ૧૫ મી નવેમ્બર ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા વડિયાના પટાંગણમાં પ્રારંભ કરાવતા ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને ફ્લેગશીપ યોજનાના લાભો મળશે. ઉપરાંત પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પણ આ યાત્રા હેઠળ આવરી લેવાશે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ સમુદાયના સર્વાંગી અને આર્થિક ઉત્કર્ષ માટે હરહંમેશ કટિબદ્ધ રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પણ આદિજાતિ વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને અદિવાસી સમુદાયમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ સહિત આર્થિક ઉત્કર્ષની દિશામાં સરાહનીય કામગીરી કરી રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ૩૩ જિલ્લાઓ પૈકી માત્ર નર્મદા જિલ્લાને જ આદિજાતિ બિરસમુંડા ટ્રાયબલ યુનીવર્સીટીની અમૂલ્ય ભેટ મળી છે જે આપણા માટે ગૌરવની બાબત છે. વધુમાં મંત્રીશ્રી પરમારે નાગરિકોને મૂલ્યવર્ધન તરફ આગળ વધવા પશુપાલનને એક શ્રેષ્ઠ વ્યવસાય ગણાવ્યો હતો.
આ વેળાએ નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી બાહુલ આદિજાતિ સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ પહોંચાડવા તથા પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને આ અભિયાન અંતર્ગત આવરી લઈને આદિજાતિઓના સર્વાંગી વિકાસની સાથે દેશના વિકાસના પાયાને મજબુત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અંગે નાગરિકોને માહિતગાર કર્યા હતા. ધારાસભ્યશ્રીએ આદિવાસી ક્રાંતિવીરોના સંઘર્ષ અને કાર્યો વિશે માહિતગાર કરીને આદિજાતિ સમુદાયને ભગવાન બિરસા મુંડામાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગરૂડેશ્વર ખાતે દેશનું પ્રથમ ટ્રાયબલ મ્યુઝિયમ થકી દેશની સ્વતંત્રતામાં ભુમિકા ભજવનારા મહાન આદિવાસી ક્રાંતિકારીઓની ગાથાનો પરિચય કરાવી યુવાપેઢી માટે પ્રેરક પ્રદર્શન બનશે. જ્યાં ડિજિટલ દસ્તાવેજી ફિલ્મ નિદર્શન, યોજનાકીય ટૂંકી ફિલ્મો સહિત આઈઇસી પ્રવૃત્તિ દ્વારા નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે પશુ નિદાન કેમ્પ પણ યોજાયો હતો.
નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ લાભ આપી પત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને આવરી લઈ ૧૦૦ ટકા લક્ષ્યાંકના નિર્ધાર સાથે આધુનિક રથ નર્મદા જિલ્લાના ૨૨૨ ગ્રામ પંચાયતો અને ૫૬૨ ગામોમાં ભ્રમણ કરીને લોકજાગૃતિનો સંદેશ આપશે.
દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલીઝંડી આપી રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને આદિજાતિ બાહુલ વિસ્તાર ધરાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી પરમાર, ઉપસ્થિત મહાનુભાવો તેમજ લાભાર્થી/નાગરિકોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રસારણ નિહાળ્યુ હતુ.
આ યાત્રા સંદર્ભે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ દેશવાસીઓને રેકોર્ડિંગ શુભેચ્છા સંદેશ પાઠવીને સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ આદિજાતિ બાંધવ સહિત પ્રત્યેક નાગરિકને મળે તેવી હિમાયત કરી હતી.
સરકારશ્રીની ફ્લેગશીપ યોજનાઓનો લાભ લઈને આત્મનિર્ભર બનીને અન્યને રોજગાર આપનાર લાભાર્થીઓની સફળવાર્તાને પણ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો સમક્ષ રજુ કરી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સૌએ વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી પરમાર સહિત મહાનુભાવો દ્વારા સ્ટોલનું નિરિક્ષણ કરીને ખેતીમાં ઉપયોગી ડ્રોન ટેક્નોલોજીની ઝીણવટપૂર્ણ માહિતી મેળવીને પોષણ, આરોગ્ય સહિતના સ્ટોલની વિઝિટ કરી હતી. આ પ્રસંગે પશુ નિદાન કેમ્પ પણ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ દરમિયાન ખેતીમાં સમય ખર્ચ બચાવતી ડ્રોન ટેકનોલોજી અંગે પણ મંત્રીશ્રી માહિતગાર થયા હતા.
કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડા સહિત નામી-અનામી વીર ક્રાંતિકારીના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ આદિવાસી પરંપરા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનો પરિચય આપતી પરંપરાગત આદિવાસી નૃત્ય કલાકારોએ પ્રસ્તુત કર્યું હતું. મંત્રીશ્રી પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ આ નૃત્યને નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી પરમારે સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાયના ચેક વિતરણ કરાયા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો નાંદોદ સહિત દેડિયાપાડા તાલુકામાં પ્રારંભ થયો છે જ્યાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, વડીયાના સરપંચશ્રી બિંદીયાબેન વસાવા, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજ્યના વિકાસ કમિશનરશ્રી સંદીપકુમાર, કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, મંચસ્થ મહાનુભાવો, પદાધિકારીશ્રી, જિલ્લા પંચાયતના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ