આપણો સંકલ્પ વિકસિત ભારત’
નર્મદા જિલ્લાના પ્રત્યેક માનવીને સમૃદ્ધ, મજબુત અને આત્મનિર્ભર બનાવી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે આ અદભૂત યાત્રા :-સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષણ, પોષણ અને આરોગ્યને વિશેષ પ્રાધાન્ય આપી પ્રાકૃતિક અને પરંપરાગત ખેતી (મિલેટ્સ) અપનાવવા અનુરોધ કરતા સાંસદશ્રી વસાવા
‘હર હાથ કો કામ’ ના મંત્ર સાથે યુવા પેઢીનું ભાવિ ઉજ્જવળ બનાવવા કૌશલ્યવાન યુવાશકિતને યોગ્ય તક આપી સમાજના વિકાસને વેગવાન બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા સાંસદશ્રી
રાજપીપલા, ગુરુવાર :- બાહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાનો કોઈપણ માનવી કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેયમંત્ર સાથે છેલ્લા બે દિવસથી નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દેડિયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામે આવી પહોંચતા ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સંકલ્પ યાત્રા દરમિયાન કુલ ૨૨ જેટલી યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની, ટેબ્લો થકી પુરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય-રાષ્ટ્ર સહિત નર્મદા જિલ્લાના પ્રત્યેક માનવીને સમૃદ્ધ, મજબુત અને આત્મનિર્ભર બનાવી નવા રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અદભૂત હાંકલ કરી છે, ત્યારે આદિવાસીઓના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે સરકારશ્રીની યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવામાં સરપંચશ્રી, સભ્યો અને આગેવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે, વિવિધ યોજનાઓના લાભ થકી ગ્રામજનોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. આજે સરકારશ્રીની આવાસીય સુવિધાઓ થકી લોકોના પાકા ઘરના સપનાઓ સાકાર થયા છે. આરોગ્યલક્ષી ગંભીર બિમારીઓમાં આદિવાસી લોકોને શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર આપતી આશિર્વાદરૂપ સાબિત થતી આયુષ્માન કાર્ડ યોજના લોકોના જીવનમાં ખુશહાલી પ્રસરાવી રહી છે. હજી પણ આ યોજના અંતર્ગત ગામના પ્રત્યેક નાગરિકને આવરી લઈને ૧૦૦ ટકા સેચ્યુરેશનની કામગીરી પૂર્ણ કરવા માટે સ્થાનિક વહિવટીતંત્ર અને આગેવાનોને સાંસદશ્રીએ હાંકલ કરી હતી.
સાંસદશ્રીએ શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્યને સાંકળતા જણાવ્યું કે, સગર્ભા-ધાત્રી માતાઓ, કિશોરી સહિત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવતી આંગણવાડીની બહેનો તંદુરસ્ત સમાજના નિર્માણમાં સરાહનીય કામગીરી કરી રહી છે. ત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને પરંપરાગત અને પોષણક્ષમ આહાર આપી તંદુરસ્ત સમાજના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવવા આહ્વાન કર્યુ હતું. વધુમાં રસાયણિક ખેતીના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા ઘટી છે, ત્યારે જળ, જમીન, જંગલ સહિત પર્યાવરણના જતન માટે પ્રાકૃતિક અને પરંપરાગત ખેતી (તૃણધાન્ય) ને અપનાવવા પણ સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.
ઉપરાંત, સાંસદશ્રીએ વાલીઓને પોતાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી સમાજના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ મહત્વનો પાયો છે. શિક્ષણનો વ્યાપ વધી રોજગાર સર્જન થાય ત્યારે જ સમાજની ઉન્નતિ શક્ય છે. સાંસદશ્રીએ ‘હર હાથ કો કામ’ ના મંત્ર સાથે સમાજના યુવા પેઢીનંન ભાવિ ઉજ્જવળ બને તેવા હેતુથી કૌશલ્યવાન યુવાશકિતને કામ અને યોગ્ય તક આપી સમાજને વિકાસના માર્ગે અડીખમ બનાવવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી વસાવાના હસ્તે સરપંચશ્રી વસંતાબેન વસાવાને અભિલેખા પત્ર અર્પણ કરી વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કાર્યક્રમ સ્થળે ઉભા કરાયેલા આંગણવાડી, આરોગ્ય, બેન્ક, આયુષ્યમાન કાર્ડ અને ઉજ્જવલા યોજના સહિત વિવિધ વિભાગોના સ્ટોલ્સની મુલાકાત લઈને સાંસદશ્રીએ તમામ યોજનાઓના લાભની પાત્રતા ધરાવતા કોઈ પણ નાગરિક લાભથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા સ્ટોલ્સના પ્રતિનિધિશ્રીઓને જણાવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઈ વસાવા, સરપંચ શ્રીમતી વસંતાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંહ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી શાંતાબેન વસાવા, દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી જગદીશભાઈ સોની સહિત જિલ્લા-તાલુકા અને સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.
More Stories
માંડવી તાલુકાના કાટકુવા ગામે કાચા ધરમાં શોર્ટ સર્કિટ ના કારણે આંગ લાગવાની ઘટના સામે આવી …..
નેત્રંગમાં રાજપારડી રોડ પર રહેતા વૃદ્ધ બાવાને ઘરના વાડામાં વાવેલા ગાંજાના છોડના 11.3 કિલો જથ્થા સાથે SOG એ ઝડપી પાડયો,
સુરત જિલ્લા એલ.સી.બીએ માંડવી બજાર માં આવેલ મોબાઇલની દુકાનમાં ચોરીના ગુનાના આરોપી ઓને ઝડપી પાડયા.