December 23, 2024

નિરાધાર, નિ:સહાય, લાચાર અને બેબશ લોકો પાસે સામે ચાલીને ટીમ નર્મદાના સહયોગથી સરકારી યોજનાઓના લાભ પહોંચે તેવા હાથ ધરાયેલા પ્રાયાસો જિલ્લામાં વધુ વેગવાન અને સઘન બને તેવી અભિલાષા વ્યક્ત કરતા બદલીથી વિદાય પામેલા તત્કાલિન કલેકટરશ્રી ડી.એ.શાહ

Share to



એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત તેમજ CSR પ્રવૃત્તિ હેઠળના અનેકવિધ પ્રોજેક્ટ્સની સિધ્ધિઓ ઉપરાંત નોંધારાનો આધાર પ્રોજેક્ટ સહિતના સંખ્યાબંધ ઇનોવેટીવ પ્રોજેક્ટસને બિરદાવતી “ટીમ નર્મદા”

નર્મદા જિલ્લાના સેવાકાળ દરમિયાન “ટીમ નર્મદા” તરફથી મળેલા અપ્રતિમ સહયોગ બદલ શ્રી ડી.એ.શાહે વ્યક્ત કરી આભારની લાગણી

નર્મદા જિલ્લાના તત્કાલિન કલેકટરશ્રી ડી.એ.શાહનો “ટીમ નર્મદા” તરફથી SOU-એકતાનગર ટેન્ટસીટી-૨ ખાતે યોજાયો ભાવસભર વિદાય સમારોહ

રાજપીપલા,ગુરૂવાર :- નર્મદા જિલ્લાના તત્કાલિન જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહની રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરીકે બદલી કરાતાં જિલ્લા વહિવટીતંત્રની “ટીમ નર્મદા” તરફથી ગત મંગળવારના રોજ SOU-એકતાનગર, ટેન્ટસીટી-૨ ખાતે યોજાયેલા વિદાયમાન સમારોહમાં શ્રી ડી.એ.શાહની છેલ્લા એક વર્ષ અને દસ માસથી પણ વધુ સેવાકાળની બહૂમૂલ્ય સેવાઓને બિરદાવી તેમને ભાવસભર વિદાયમાન અપાયું હતું. આ વિદાયમાન સમારોહમાં શ્રી ડી.એ.શાહના ધર્મ પત્ની શ્રીમતી રૂપલબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહીને તેમાં સહભાગી થયા હતા.

નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોડ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ, શ્રી આનંદ ઉકાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, નાયબ કલેકટર શ્રીમતી તૃપ્તિ પટેલ અને શ્રીમતી જિજ્ઞાબેન દલાલ, SOUADTGA ના નાયબ કલેકટરશ્રી મયુર પરમાર અને શ્રી કુલદીપ વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાત, શ્રીમતી સી.એન.ચૌધરી અને શ્રી એચ.પી.મોદી ઉપરાંત તાલુકા મામલતદારશ્રીઓ તેમજ મહેસૂલી પરિવારના સભ્યશ્રીઓ અને “ટીમ નર્મદા” ના વિવિધ વિભાગના કર્મયોગીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત વિદાયમાન સમારોહમાં શ્રી શાહને શાલ ઓઢાવીને પુષ્પ ગુચ્છ અને શ્રીફળ અર્પણ કરવાની સાથે સ્મૃતિચિન્હ એનાયત કરી અઢળક શુભેચ્છાઓ સાથે ગુજરાતના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર તરીકેની હવે પછીની સેવાઓમાં હજીપણ ઉત્તરોત્તર પગ્રતિ સાધે તેવી શુભકામના પાઠવી જિલ્લા કલેકટર તરીકે શ્રી ડી.એ.શાહ સાથેની કાર્યપ્રણાલી અને તેમના અથાગ પ્રયાસો અને સહયોગના પરિણામે જુદા જુદા સરકારી વિભાગોએ રાજ્ય અને જિલ્લાકક્ષાએ મેળવેલી અપ્રતિમ સિધ્ધિઓના સંસ્મરણો સૌ કોઇએ વાગોળ્યા હતાં.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, ગરૂડેશ્વર મામલતદારશ્રી મિતેશ પારેખ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલ, ઇન્ચાર્જ ચીટનીશ-ટુ-કલેકટરશ્રી મેહુલ વસાવા વગેરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં બદલીથી વિદાય પામેલા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના છેવાડાના માનવી માટેની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો સઘન અમલ, ગેસ આધારીત સ્મશાન ગૃહની સુવિધા, “નોંધારાના આધાર” પ્રોજેક્ટસના અમલની રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ ફેલાયેલી સુવાસ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં નર્મદા જિલ્લાને CSR ફંડ હેઠળ વિવિધ ઓક્સિજન પ્લાન્ટસ, ઓક્સિજન માટેની પાઇપલાઇન, ઓક્સિજન સિલિન્ડર્સ સહિતના કોવિડ હોસ્પિટલની બેડની ક્ષમતામાં નોંધપાત્ર વૃધ્ધિ, દરદીઓની સારવાર માટે આરોગ્ય વિષયક વિવિધ ઉપકરણોની ઉપલબ્ધિ, કેન્દ્રીય નિતિ આયોગ દ્વારા શિક્ષણક્ષેત્રની અંદાજે રૂા.૭.૨૦ કરોડના ઇનામો થકી જિલ્લાની શાળાઓના અંદાજે ૫૦૦ જેટાલા વર્ગખંડોને મળનારી સ્માર્ટ ક્લાસની ભેટ ઉપરાંત કૃષિ, પશુપાલન અને સિંચાઇ ક્ષેત્રની સુવિધા વિસ્તરણ પ્રોજેક્ટસ, રાજપીપલા અને દેડીયાપાડામાં સ્માર્ટ લાઇબ્રેરીનું આયોજન, ICU ઓન વ્હીલ્સ સુવિધા, રેન બસેરા પ્રોજેક્ટ, અધિકારીઓ/કર્મચારીઓ માટેના નવા સ્ટાફ ક્વાર્ટર્સની જગ્યા ફાળવણી અને તેના બાંધકામનું આયોજન, વિજ્ઞાન સેન્ટરની મંજૂરી ઉપરાંત વિવિધ ઇનોવેટીવ પ્રોજેક્ટ્સની મુક્તકંઠે પ્રસંશા કરી જિલ્લાને મળેલી આ ભેટ નવલું નજરાણું તરીકે જિલ્લાનું કાયમી સંભાળણું બની રહેશે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.
સન્માનનો પ્રત્યુત્તર વાળતા બદલી પામેલા કલેકટરશ્રી ડી.એ.શાહે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માનવીને લક્ષમાં લઇને હાથ ધરાતું કોઇ પણ કાર્ય હંમેશા જે તે લક્ષીત જૂથ માટે સફળ અને આશિર્વાદરૂપ બની રહેતું હોય છે, ત્યારે જે વ્યક્તિને સરકારની કોઇ પ્રકારની યોજનાના લાભની જાણકારી ન હોવાના કારણે આવા લોકોની કોઇ ફરિયાદ જ હોતી નથી તેવા નિરાધાર, નિ:સહાય, લાચાર અને બેબશ લોકો પાસે સામે ચાલીને ટીમ નર્મદાના સહયોગથી સરકારી યોજનાઓના લાભ પહોંચે તેવા હાથ ધરાયેલા પ્રાયાસો જિલ્લામાં વધુ વેગવાન બને અને હજીપણ બાકી રહેલા જરૂરિયાતમંદો જે તે લાભો સ્થળ પર જ મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરી તેમના સેવાકાળ દરમિયાન ટીમ નર્મદા તરફથી મળેલા અપ્રતિમ સહયોગ બદલ શ્રી ડી.એ.શાહે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદારશ્રી અને પીએ-ટુ-કલેકટર શ્રી હિતેશભાઇ પ્રજાપતિએ કર્યું હતું.


Share to

You may have missed