November 22, 2024

સુરતના હીરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ૫ લોકોની ધરપકડ

Share to



(ડી.એન.એસ)સુરત,તા.૦૯
સુરતના અમરોલી વિસ્તારમાં મહિલા વિલાસ પુરાણીએ હીરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. હીરાના વેપારીના મિત્ર બોઘા રબારીએ હનીટ્રેપની ગેમ બનાવી હતી. જ્યારે જીગ્નેશ ચૌહાણે તેના ભત્રીજાનો રૂમ મહિલાને આપ્યો હતો. આ ગેમ કરવા માટે જીગ્નેશે તેના કાકાના દીકરા અને સરથાણા પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતા કલ્પેશ ચૌહાણ અને વરાછા પોલીસમાં હોમગાર્ડ યુવરાજસિંહને રૂપિયાની લાલચ આપી રૂમ પર બોલાવ્યા હતા. બંનેએ રૂમ પર હીરાના વેપારી અને મહિલાને રંગેહાથ પકડી પાડ્યા હતા પછી અમરોલી પોલીસના નામે ડમ મારી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૫ લાખની માંગણી કરી હતી. બીજી તરફ આ બાબતે વેપારીએ તેના મિત્ર બોઘા રબારીને વાત કરી હતી. આથી બોઘા રબારીએ દોઢ લાખમાં પતાવટ કરી હતી. આ ગુનામાં અમરોલી પોલીસે સૂત્રધાર બોઘા રબારી (રહે, વૃંદાવન સોસા, કતારગામ), જીગ્નેશ ચૌહાણ, હરીશ રાઠોડ (બંને રહે, સરવેરીગામ,ભાવનગર), હોમગાર્ડ કલ્પેશ ચૌહાણ (રહે, મધુવન સોસા, કાપોદ્રા,) અને યુવરાજસિંહ પરમાર (રહે,શંકરનગર સોસા,પુણા,મૂળ રહે,ગોલાણાગામ,આણંદ)ની ધરપકડ કરી છે.વરાછા અને સરથાણા પોલીસમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ સાથે મળી ૫ જણાએ હીરાના વેપારીને મહિલા સાથે હનીટ્રેપમાં ફસાવી દોઢ લાખની રકમ પડાવી હતી. આ કેસમાં અગાઉ મહિલા વિલાસ પુરાણી પકડાઈ હતી. જ્યારે તેના સાગરિતોમાં બે હોમગાર્ડ સહિત ૫ જણાને અમરોલી પોલીસે પકડી પાડ્યા છે. પાંચેય આરોપીઓએ ૨૫-૨૫ હજારની રકમ ભાગબટાઈ કરી હતી. જ્યારે બે આરોપીઓ તો હીરા વેપારીની ગેમ કરવા માટે ભાવનગરથી આવ્યા હતા.


Share to