——–
દિવાળી પર્વને સાર્થક કરતા કાકડીયા પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓનું પણ દાન કરી માણસાઈના દિવા પ્રગટાવ્યા
———
અંગોને સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા સુરત પોલીસે સૌપ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા
——-
ઓર્ગન સિટી સુરતમાં ઉજાસના પર્વ દિવાળી પહેલાં બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો
———
અંગદાન..મહાદાન..જીવનદાન..’
———
સુરતઃ રવિવાર: ઓર્ગન ડોનર સિટી સુરતમાં સૌપ્રથમવાર દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું હતું. ઉજાસના પર્વ દિવાળી પહેલાં માત્ર ૧૪ વર્ષીય બાળકના અંગદાનથી છ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના ૧૪ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માણસાઈના દિવા પ્રગટાવ્યા છે. અંગોને સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા સુરત પોલીસે સૌપ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા હતા. સુરતમાંથી હ્રદયના દાનની ૩૭મી અને ફેફસાના દાનની ૧૧મી ઘટના બની છે.
દેશમાં સૌપ્રથમ વખત ૨૦૧૫માં કોચીમાં અમૃતા હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ દેશનું ૧૯મુ હાથનું ટ્રાન્સપ્લાન્ટ છે. પરંતુ સૌથી નાની ઉમરના એટલે કે ૧૪ વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. ઉપરાંત ફિસ્ચ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.
વિગતો એવી છે કે, રામપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામ ખાતે રહેતા અજયભાઈ કાકડિયાના બ્રિલીયન્ટ વિદ્યાલયમાં ધો.-૧૦માં અભ્યાસ કરતા પુત્ર ધાર્મિકને તા.૨૭ ઓક્ટો.ના રોજ અચાનક ઉલટીઓ થતા અને બ્લડ પ્રેશર વધી જવાને કારણે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યુરોફિજીશિયન ડૉ.હીના ફળદુએ સારવાર દરમિયાન સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. પણ ગંભીર હાલતમાં રહેલાં ધાર્મિક સ્વસ્થ થાય એમ ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફ સંસ્થાની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
ધાર્મિકના માતા-પિતા લલિતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની સમસ્યા હતી, અને છેલ્લા એક વર્ષથી સપ્તાહમાં ત્રણ વખત ડાયાલિસીસ કરાવવું પડતું હતું. ડાયાલિસીસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જયારે અમારો વ્હાલો ધાર્મિક બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે સહર્ષ આગળ વધવા સંમતિ આપી હતી.
પરિવારજનો તરફથી મંજૂરી મળતા સંસ્થાના શ્રી નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવ્યું કે, દેશમાં ઘણા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જતા તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજૂરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવા હાથ અને નવું જીવન મળી શકે. ત્યારે દાદા લાલજીભાઈ, કરશનભાઈ, દાદી શારદાબેન, રસીલાબેન, નાના રાઘવભાઈ સોનાણી, નાની રંભાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોએ એકસૂરે પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને જિગરના ટુકડા એવા ધાર્મિકના હાથનું દાન કરવાની મંજૂરી આપી જણાવ્યું કે, શરીર બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે અમારા બાળકના જેટલા પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો.
જેથી સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.- SOTTO દ્વારા બાળકનું લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસા ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું. પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઈ શક્યું નહોતું.
સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મી.નું અંતર ૧૦૫ મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી વ્યક્તિમાં ડૉ.નિલેશ સાતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિને ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે તેના બંને હાથ અને પગ કપાઈ ગયા હતા. તે પુનામાં એક કંપનીમાં ક્લેરિકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે.
હાથનું ટ્રાન્સપ્લાન્ટ છ થી આઠ કલાકમાં કરવાનું હોય છે, અન્યથા હાથ કામ કરતા બંધ થઈ જાય છે. તેથી બંને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, અને ચાર્ટર વિમાન મારફતે હાથને ૧૦૫ મિનીટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના ૪૪ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ધો.૧૧ માં અભ્યાસ કરતા ૧૫ વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવકને છેલ્લા દોઢ વર્ષથી હૃદયની તકલીફ હતી, અને તેના હૃદયનું પમ્પીંગ ૧૦ થી ૧૫ ટકા જેટલું હતું. આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. તેમજ અને લિવર સમયસર અમદાવાદ પહોચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફના પ્રમુખશ્રી નિલેશભાઈ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી હૃદયદાનની ૫૦મી અને ફેફસાના દાનની ૧૩મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭ હૃદય દાન અને ૧૧ જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઈન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફ દ્વારા સૌથી નાની ઉમરના એટલે કે ૧૪ વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે. ઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા.
આમ, સુરતના નાનકડા અંગદાતા બાળકે મૃત્યુ પામીને પણ છ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. સાથોસાથ તેના પરિવારે પણ સાહસિક નિર્ણય લઈ દેશના અન્ય લોકોને અંગદાન માટે પ્રેરણા પૂરી પાડી છે.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…