રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક એક દુકાનમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂ સહિત કુલ રૂપિયા ૧૩૨૦૦ નો મુદ્દામાલ કબજે લીધો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક એક દુકાનમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂની નાનીમોટી ૩૬ નંગ બોટલો ઝડપી લઇને આ ગુના હેઠળ એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે રઝલવાડા ગામના બસ સ્ટેન્ડથી આગળ નેત્રંગ જવાના રોડ પર એક દુકાનમાં ઇંગ્લીશ દારૂનું વેચાણ થાય છે. પીએસઆઇ કે.બી.મીરના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા દુકાનના કાઉન્ટર નીચે બે થેલામાં ભરેલ ઇંગ્લીશ દારૂની નાનીમોટી કુલ ૩૬ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો રૂપિયા ૮૨૦૦ નો જથ્થો તેમજ એક મોબાઇલ મળીને કુલ રૂપિયા ૧૩૨૦૦ નો મુદ્દામાલ કબજે લઇને આ ગુના હેઠળ સંદીપભાઇ બાબરભાઇ વસાવા તેમજ કોમલબેન સુખદેવભાઇ વસાવા બન્ને રહે.ગામ રઝલવાડા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.