November 4, 2024

આકાંક્ષી નર્મદા જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

Share to

રાજપીપલા, ગુરૂવાર :- નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨ આકાંક્ષી જિલ્લાઓ અને ૫૦૦ તાલુકાઓ પૈકી રાજ્યમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી નાંદોદ તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે ૬ પેરામીટર્સની સૂવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા/તાલુકામાં “સંપૂર્ણતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં લાછરસ આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી રાધિકા શારદાની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો.


આ અભિયાનના ઉદઘાટન પ્રસંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઈન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, કર્મયોગીઓ, આંગણવાડી અને આરોગ્યના કાર્યકરો, સેવાભાવિ સંસ્થાઓને કટિબધ્ધ બનવાની હાંકલ કરી હતી. નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઈન્ડિકેટર્સ ઉપર લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવી નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેક્ટરશ્રીએ હાંકલ કરી હતી.


નાંદોદ તાલુકાના લાછરસ આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન’ના પ્રારંભ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તાલુકાની સગર્ભા બહેનોને મમતાકાર્ડ અને THRનું વિતરણ કરવા સાથે, સખી મંડળની બહેનોને રિવોલ્વિગ ફંડ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આરોગ્ય વિભાગના ‘નિરામય કાર્ડ’નું પણ વિતરણ કરાયું હતું.


આગામી ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી ચાલનારા ‘સંપૂર્ણતા અભિયાન’ના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ આકાંક્ષી જિલ્લા/તાલુકાના નક્કી કરાયેલા ઈન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. બાદમાં જિલ્લા કલેક્ટરશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ લાછરસ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપાઈ રહેલી સારવાનું નિરિક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારીશ્રી કે.એચ.રાવલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed