આંદોલનના 15 દિવસમાં
રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બનીને ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળીને 24700 શિક્ષકોની ભરતી થશે.
આ પહેલા 19 જૂને રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં TAT-Secondary अने TAT-Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.
છેલ્લાં 10 વર્ષમાં 18,382 શિક્ષકની કાયમી ભરતી વધુ વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઈન-એડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લાં 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
2.65 લાખ ટેટ પાસ અને 1.18 લાખ ટાટ પાસ ઉમેદવાર બેકાર
ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ 2.65 લાખ અને ટાટ પાસ 1.18 લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વીકારતી નથી.
ગત માર્ચમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે વિધાનસબા ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાં ટેટ-1 પાસ 39,395 એને ટેટ-2 પાસ 2,35, 956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. વર્ષ 2011થી લઈને 2023 સુધીમાં સરકારે 50,912 ટેટ-ટાટ પાસ વિદ્યાસહાયકો અને 12710 જ્ઞાન સહાયકો મળીને કુલ 63622 ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી કરી છે.
છેલ્લા 8 મહિનામાં જ 17500 શિક્ષક નિવૃત્ત થયા વર્ષ 2019માં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 5300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી 2022માં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 2650ને નિમણૂંક પત્રો આપ્યા હતા. આમ 2650ની ભરતી બાકી રહી હતી. જ્યારે 31-10-2023ના રોજ અંદાજે 7500 શિક્ષકો નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ 31-5-2024ના રોજ 10,000 શિક્ષક નિવૃત્ત થયા હતા. આમ કૂલ 17500 શિક્ષકો તો નિવૃત્ત થયા છે. જેની સામે માત્ર 2650ને જ નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આમ નિવૃત્ત થયેલા 17,500 શિક્ષકમાંથી માત્ર 2650 જ જગ્યા ભરવામાં આવી જ્યારે 14850 ખાલી જગ્યા સામે માત્ર 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને તે ભરતી થયા બાદ 7350 જગ્યા તો છેલ્લા 8 મહિનામાં નિવત્ત થયેલા શિક્ષકોની જ છે.
શું છે ભરતી વિવાદ?
ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…