ખોજનો વ્યાપ વધારી વ્યાસ બેટ નીચે ભરૂચ તરફના ઓવારા સુધી કરાયો, કોતરોને ખંખોળી કરાતી શોધખોળ
મહેસુલ અને પોલીસકર્મીની ટૂકડીઓ દ્વારા નદીના પટમાં પગપાળા ચાલી કરાઇ તપાસ, ઓરસંગ સંગમ સુધી અન્ડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરાયું
રાજપીપલા, ગુરૂવાર :- પોઇચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઇ ગયેલા પરિવારમાંથી ચાર વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના ૩ હતભાગીઓની શોધખોળ છેલ્લા ૪૮ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની વધુ એક ટૂકડીને મદદ માટે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી છે.
બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાંદોદ પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવીએ જણાવ્યું કે, તા. ૧૬ના રોજ બપોરે ૨ વાગ્યે આ કામગીરીને ૫૦ કલાક જેટલો સમય થયો છે. એનડીઆરએફ, રાજપીપલા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે.
કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, એસપી શ્રી પ્રશાંત સુંબેએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એનડીઆરએફની વધુ એક દસ્તાને બોલાવવાનો નિર્ણય કર્યો હતો. એના પગલે એનડીઆરએફની વધુ એક ટૂકડી બચાવ કામગીરી માટે આવી પહોંચી હતી. હાલમાં એનડીઆરએફની બે ટૂકડીઓ પાંચ બોટ સાથે શોધખોળ કરી રહી છે. એક ટૂકડીમાં ૨૨ જેટલા જવાનો સામેલ હોય છે. આ ઉપરાંત વડોદરાની બે બોટ, ભરૂચ અને કરજણની એક એક તથા ચાર સ્થાનિક નાવડી મળી કુલ ૧૩ બોટ આ કામગીરી કરી રહી છે.
ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ઘટના સ્થળ એવા ત્રિવેણી સંગમથી ઉપરવાસમાં ઓરસંગ નદીના સંગમ સુધી અન્ડર વોટર કેમેરાથી સ્કેનિંગ કરવામાં આવ્યું છે. એનડીઆરએફના જવાનો દ્વારા શેલો વોટરમાં ફૂટ સર્ચ કરી ડૂબેલા વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતા પારખીને કરજણ ડેમ ખાતેથી એક મોટી ફિશિંગ નેટ મંગાવીને તેને પાણીમાં નાખવામાં આવી હતી. મિંદડી તરીકે ઓળખાતા હૂક વાળું સાધન નદીમાં નાખી પાણી ખંખોળવામાં આવ્યું હતું. તેમાં નદીમાં પધરાવવામાં આવેલા વસ્ત્રો જ નીકળ્યા હતા.
આજ તા. ૧૬ના સવારે નવેક વાગ્યે આ ખોજી દસ્તાને વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ ૧૫ વર્ષીય મૈત્રવ ભરતભાઇ બલદાણિયા તરીકે થઇ છે. આ પૂર્વે ૧૧ વર્ષીય વ્રજભાઇ હિંમતભાઇ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઇ હડિયા અને ભાવેશ વલ્લભભાઇ હડિયાના મૃતદેહ મળી આવ્યા હતા. તમામના પાર્થિવ દેહને મોર્ગમાં રાખવામાં આવ્યા હતા. એક મૃતદેહ કોતરમાંથી અને બાકીના ત્રણ મૃતદેહ નદીના પટ પાસેથી પાણીમાં તરતા મળી આવ્યા હતા.
ઉક્ત બાબતને ધ્યાને રાખીને મહેસુલીકર્મીઓ અને પોલીસકર્મીઓ દ્વારા નદીના કિનારા ઉપર પગપાળા ચાલીને શોધખોળ કરવામાં આવી હતી. વ્યાસ બેટ તરફ લગભગ છએક કિલોમિટરના પટમાં આ ટૂકડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આમ છતાં, કોઇની ભાળ મળી નહોતી. એનડીઆરએફની એક ટૂકડી દ્વારા વ્યાસ બેટ તરફ મોલેથા ગામની નર્મદા નદીના પટમાં કેમ્પ નાંખવામાં આવ્યો છે અને ત્યાંથી હેઠવાસમાં વહેતા વહેણમાં શોધખોળ આદરવામાં આવી છે. ભરૂચ તરફ નર્મદા નદીમાં ઘાસના ઓવારા સુધી બોટ ચલાવી ખોજ કરવામાં આવી રહી છે. કોતરોને પણ ખંખોળવામાં આવી રહી છે.
મગરોના ઉપદ્રવ અને વહેતા પાણીના પડકારનો સામનો કરી અંદાજે ૧૦૦ થી પણ વધુ તરવૈયાઓ, બચાવકર્મીઓ આ રાહતકાર્યમાં જોડાયા છે. ખાસ કરીને રાતના સમયે મગરોમાં આક્રમતા વધું જોવા મળી છે. આની સામે ખોજી ટૂકડીઓ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. રાહત કમિશનર કચેરી દ્વારા પણ બચાવ કામગીરીના સતત અપડેટ મેળવાઇ રહ્યા છે.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…