ડેમમાં માછલાં પકડવા ગયેલા યુવાનની હત્યા ઝઘડિયાના દરિયા ગામે આવેલાં ડેમમાં નાના અણાધરાના યુવાનો રાત્રીના સમયે મચ્છીમારી કરવા ગયાં હતાં

Share to


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દરિયા ગામે ડેમમાં માછલા મારવા ગયેલ એક યુવકને અન્ય ઇસમોએ નાવડીના હલેસાથી માર મારતા આ યુવકનું ડેમના પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. જોકે મૃતકના ભત્રીજાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી આ હુમલો પુર્વ આયોજિત હોવાની શંકા વ્યક્ત કરતા હાલ રહસ્ય સર્જાયું છે.

વિગતો અનુસાર ગત તા.૫ મીના રોજ ઝઘડિયા તાલુકાના નાનાઅણધરા ગામે રહેતો ભોપત વસાવા નામનો યુવક રાતના દસ વાગ્યાના સમયે તેના કાકા ભરતભાઇ સેવણીયા વસાવા રહે.ગામ નાનાઅણધરા તેમજ અન્ય બે ઇસમો સાથે દરિયા ગામ નજીક આવેલ ડેમમાં માછલા મારવા ગયા હતા. આ લોકો ટાયરની ટ્યુબની મદદથી પાણીમાં માછલી પકડવાની કામગીરી કરતા હતા, ત્યારે રાતના અઢી વાગ્યાના સમયે એક નાવડી લઇને ચાર ઇસમો આવ્યા હતા. તે લોકોએ ટોર્ચનો પ્રકાશ નાંખતા તેઓ દરિયા ગામના નવીન વસાવા, પિંકલ વસાવા, પન્કેશ વસાવા તેમજ અન્ય એક સગીર વયનો છોકરો હોવાની જાણ થઇ હતી.

નાવડીમાં આવેલ આ ચાર ઇસમો પૈકી નવીન વસાવા ભરતભાઇને નાવડી ચલાવવાના હલેસાથી માર મારવા લાગ્યો હતો. જેથી ભરતભાઇ ડેમના પાણીમાં પડી ગયા હતા. તે દરમિયાન ભરતએ નાવડી પકડી રાખી હતી. ત્યારે નવીને કહ્યું હતું કે આને મારો ભલે મરી જાય. આ ઘટના બાદ ભરતને શોધવા છતાં ભાળ મળી નહતી. આ બાબતે ઝઘડિયા પોલીસમાં લખાયેલ ફરિયાદમાં જણાવાયું હતું કે અણધરા ગામના લોકો દરિયા ગામના ડેમમાં માછલા પકડવા જાયતો મહેશ માનસિંગ વસાવા નામનો ઇસમ તેના માણસો દ્વારા તેમને માર મરાવતો હતો.

દરમિયાન આજરોજ ડેમમાંથી ડુબી ગયેલ ભરતનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાને લઇને મૃતકના ભત્રીજા અે હુમલાને પુર્વઆયોજિત ગણાવીને નવીન બાબુ વસાવા, પિન્કલ પ્રવિણ વસાવા, પન્કેશ છના વસાવા, મહેશ માનસિંગ વસાવા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર તમામ રહે.ગામ દરિયા વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.


Share to