December 20, 2024

રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં માર્ગ અકસ્માતોના મૃત્યુ દરમાં સતત ઘટાડો નોંધાયો

Share to

નર્મદા જિલ્લામાં રાજમાર્ગો ઉપર બ્લેક સ્પોટ ઘટતા અકસ્માતમાં માનવમૃત્યુનું પ્રમાણ પણ ઘટ્યું

રાજપીપલા, શુક્રવાર :- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંઓના સારા પરિણામો મળ્યા છે. ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઉભા કરાયેલા સ્પીડ બ્રેકર-સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં માનવમૃત્યુની કમનસીબ ઘટનાઓમાં જિલ્લામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની વાત કરીએ તો વર્ષ-૨૦૨૧માં કુલ ૯૮, વર્ષ-૨૦૨૨માં કુલ-૯૧ અને વર્ષ-૨૦૨૩ દરમિયાન કુલ-૮૫ વ્યક્તિઓનાં મોત થયા હતા, જે ઘણી જ દુ:ખદ બાબત છે. પરંતુ જિલ્લામાં રોડ સેફ્ટી કમિટીની સક્રિય કામગીરીથી માર્ગ અકસ્માતોના નિવારણ સાથે બ્લેક સ્પોટને દૂર કરવામાં પણ સહાયતા સાંપડી છે.

વર્ષ-૨૦૨૧ની સરખામણીએ વર્ષ-૨૦૨૩માં માર્ગ અકસ્માતમાં ૧૩.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આવનારા વર્ષોમાં આવા અક્સ્માતમાં સતત ઘટાડો થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો સતત પ્રયત્નશીલ છે. માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘડાટવા માટે જિલ્લા ટ્રાફિક અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે સક્રિય અને સતત પ્રયાસો સંયુક્ત રીતે કર્યા છે. રોડ સેફ્ટી કમિટીએ વિવિધ જાગૃતિ અભિયાનો, બેટર ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા માટે વિવિધ પગલાં અમલમાં મુક્યા, જેમ કે:-

1.જાગૃતિ અભિયાન: માર્ગ સલામતી વિશે લોકજાગૃતિ લાવવા માટે શાળા-કોલેજો, ગ્રામ પંચાયત, સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને વર્કશોપનું આયોજન કર્યું. સાથો સાથ રેલીઓ, બેનરો, પેમ્પ્લેટ વિતરણ, સોશિયલ મિડિયા મારફતે પણ કેમ્પેઇન ચલાવવામાં આવે છે.

2.બ્લેક સ્પોટ સુધારણા: જિલ્લામાંથી પસાર થતા હાઈવે અને આંતરિક માર્ગો પર જોખમી સ્થળો એટલે કે બ્લેક સ્પોટને સુધારવા માટે રસ્તાની ડિઝાઇન સુધારવા, રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ લગાવવાની કામગીરી, જોખમી વળાંકોની સુધારણા કરી સીધા કરવા સાથે વિવિધ સાઇનબોર્ડ્સ લગાવ્યા અને જરૂર જણાય ત્યાં ડિવાઇડરો બનાવવામાં આવ્યા છે. તેમજ રોડ પર ગાર્ડ રેલ્સ, સ્પીડ બ્રેકર લગાવવાથી વાહનોની ગતિ નિયંત્રિત કરી અકસ્માતો ઘટાડે છે.

3.ટ્રાફિક નિયંત્રણ: જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનને વધુ મક્કમ બનાવવું, નિયમિત વાહન તપાસણી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો જેમ કે હેલમેટ, સીટ બેલ્ટનો ઉપયોગ ન કર્યો હોય તો તેમને જોખમ વિશે પ્રેમથી યોગ્ય જાણકારી પણ આપવવામાં આવે છે.

માર્ગ સલામતી અંગેના આ તમામ પ્રયાસો દ્વારા રસ્તા પરના અકસ્માતોની સંખ્યા અને માનવ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જે જિલ્લાની જનતામાં રોડ સેફ્ટી અંગેની જાગૃતિ અને પોતાની સુરક્ષા અંગેની સકારાત્મક ભૂમિકાની ફલશ્રુતિ છે. આ તમામ પગલાંઓ તેમજ સરકાર અને સ્થાનિક કમિટીઓના સુચારૂ અને સહિયારા પ્રયાસોના પરિણામે માર્ગ સલામતીની સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો થયો છે. હજી પણ માર્ગ અકસ્માતમાં ઘટાડો થાય તે માટેના સકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

માર્ગ અકસ્માતો ઉપરાંત રોડ સેફ્ટી કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શ હેઠળ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રીમતી નિમિષા પંચાલ દ્વારા સંબંધિત વિભાગોના સંકલનમાં રહીને સંયુક્ત રીતે માર્ગ સલાતી ઝૂંબેશની કામગીરી કરતા જુના વર્ષોમાં રહેલા બ્લેક સ્પોટ્સને પણ માર્ગ સલામતી વિષયક કામગીરી કરીને હટાવી દેવામાં આવ્યા છે. વર્ષ-૨૦૧૯-૨૦૨૦-૨૦૨૧ દરમિયાન અસ્તિત્વમાં રહેલા બ્લેક સ્પોટ જીતપુરા ચોકડી, વર્ષ-૨૦૨૦-૨૦૨૧-૨૦૨૨ દરમિયાન રહેલા બ્લેક સ્પોટ જીતનગર ત્રણ રસ્તા અને ગમોડ ગામ જે હવે બ્લેક સ્પોટ્સ સ્થળ પર રહ્યા નથી.

જિલ્લામાં આવેલા કેટલાંક બ્લેક સ્પોટની વાત કરીએ તો વર્ષ-૨૦૨૧-૨૦૨૨-૨૦૨૩ના અકસ્માત ડેટાના આધારે હાલમાં જિલ્લામાં કુલ ચાર બ્લેક સ્પોટ્સ અસ્તિત્વમાં છે, જેમાં ભચરવાડા (રાજપીપલા), કણબીપીઠાથી માંચ ચોકડી રોડ (ડેડીયાપાડા), રાલ્દા બસ સ્ટોપ (ડેડીયાપાડા) તથા રામેશ્વર હોટલ (ડેડીયાપાડા)નો સમાવેશ થાય છે.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ તેમજ સ્પીડ ગનથી સજ્જ ઈન્ટર સેપ્ટર વાન મારફતે ઓવર સ્પીડ, હેલ્મેટ, સીટ-બેલ્ટ, ગુડ્ઝ વાહનોમાં પેસેન્જરોની હેરાફેરી, ભયજનક ડ્રાઇવીંગ તથા નશો કરીને ડ્રાઈવિંગ કરતા ઈસમોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી વગેરે જેવી બાબતોને કેન્દ્રમાં રાખીને કાયદાનું ઉલંઘ્ઘન કરતા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Share to

You may have missed