December 22, 2024

સુરત DGVCLનો 1 લાખનો પગારદાર ડે. ઇજનેર વીજ જોડાણમાં દંડ ન કરવા 5 હજાર લાંચ લેતા ઝડપાયો

Share to





• કોસાડ સબ ડિવિઝનના ચેતન રાણાને ચાલુ ફરજ પર ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડયો

• અધિકારીએ તોડ કરવા રેડ પાડી કોન્ટ્રાક્ટરનો વીજ પુરવઠો બંધ કરાવી 10 હજાર માંગ્યા હતા


દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કોસાડ સબ ડિવિઝનમાં ફરજ બજાવતો 1.05 લાખનો માસિક પગારદાર ડેપ્યુટી ઈજનેર 5000ની લાંચમાં ACBના છટકામાં ઝડપાયો છે. વળી એસીબીના સ્ટાફે લાંચીયા ડેપ્યુટી ઈજનેરને ચાલુ ડ્યૂટીએ ઓફિસમાંથી રંગેહાથ ઝડપી પાડ્યો છે. જ્યારે તેને એસીબીની ટ્રેપ હોવાની ખબર પડી ત્યારે તબિયત સારી નથી એવા બહાના કાઢી છટકવાની કોશિશ કરી હતી. એસીબીએ કોસાડ સબ ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર ચેતન ડાહ્યાભાઈ રાણા(35) (રહે, જય અંબે સોસાયટી, અડાજણ પાટિયા)ની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

અમરોલી કોસાડમાં કોન્ટ્રાક્ટરે રૂમો બનાવવાનું કામ રાખ્યું હતું. તે જગ્યા પર વીજ કનેક્શન ન હોવાથી કોમન મીટરમાંથી હંગામી વીજ પુરવઠો લઈ કામ કરતા હતા. ડેપ્યુટી ઈજનેરે તોડ કરવા રેડ પાડી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને કોન્ટ્રાક્ટરે નવું વીજ કનેક્શન મેળવવા અરજી કરી હતી. ગેરકાયદે વીજ કનેક્શન બંધ કરાવી દંડ સહિતની કાર્યવાહી ન કરવા અને નવું વીજ કનેક્શન ઝડપથી આપવા ડેપ્યુટી ઈજનેરે રૂપિયા માંગ્યા હતા.

કોન્ટ્રાક્ટરને ખામી બતાવી ધક્કા ખવડાવતો વધુમાં લાંચીયાકર્મીએ અમરોલી કોસાડ ગામે કોન્ટ્રાક્ટર પાસેથી પહેલા 10 હજારની લાંચ માંગી હતી. પછી રકઝક બાદ 5 હજાર આપવાનું નક્કી થયું હતું. ડીજીવીસીએલમાં લાંચીયો કર્મી વર્ષ 2011થી નોકરી પર લાગ્યો હતો અને તે પોતે બી.ઈ.ઈલેક્ટ્રિકનો અભ્યાસ કરેલો છે. કોન્ટ્રાક્ટરને લાંચીયા કર્મીએ ઓફિસના ધક્કા ખવડાવી ડોક્યુમેન્ટોમાં નવી નવી ખામીઓ બતાવી હેરાનગતિ કરતો હતો. જેના કારણે કંટાળીને કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ આપી હતી. ડેપ્યુટી ઈજનેરના ઘરે એસીબીના સ્ટાફે સર્ચ કર્યું હતું. જેમાં કેટલાક ડોક્યુમેન્ટો હાથ લાગ્યા હોવાની વાત છે.


Share to

You may have missed