December 21, 2024

સાગબારાના મહુપાડા અને સજનવાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

Share to



યોજનાકીય ફિલ્મ નિહાળી નવા રાષ્ટ્રના નિર્માણ માટે ગ્રામજનોએ સામુહિક શપથ લીધા

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી જિલ્લાના છેવાડના વંચિત માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવાની જિલ્લા વહિવટીતંત્રની કામગીરી નોંધનીય

પરંપરાગત માધ્યમો થકી લોકસંદેશો પહોંચાડીને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને જાગૃત કરાયા


રાજપીપલા, બુધવાર:- વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહુપાડા અને સજનવાવ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન એસ.વસાવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતમાં ગ્રામજનોએ કંકુ-તિલક કરી રથનો આવકાર કર્યો હતો.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન એસ. વસાવા જણાવે છે કે, સરકારે ગરીબ અને મધ્યમવર્ગની સતત ચિંતા કરીને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે કમરકસી છે. વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પ યાત્રા થકી વડાપ્રધાનશ્રીએ વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે યોજના લઈને આવી છે, ત્યારે ગ્રામજનો પણ સરકારની કામગીરી અને યોજનાકીય માહિતીની જાણકારી અને લાભ લઈને અન્ય લોકોને જાગૃત કરવા શ્રીમતી વસાવાએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનુ વિતરણ, સર્વે ઉપસ્થિતોએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગેની શોર્ટ ફિલ્મ નિદર્શન, ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના અંગે શપથ, મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓના પ્રતિભાવો, ધરતી કરે પુકાર અંતર્ગત લઘુ નાટક, આંગણવાડી બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલી વાનગી નિદર્શન,ડ્રોન ટેક્નોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા,આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા.

નર્મદા જિલ્લા માહિતી કચેરી દ્વારા સંકલ્પ યાત્રામાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત માધ્યમો થકી લોકડાયરાના રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગામની સંસ્કૃતિ, લોકકલાને સાચવી રાખવા અંગેનો સંદેશ આપ્યો હતો. સાથે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને જાગૃત કર્યા હતા.

આ કાર્યક્રમમાં મહુપાડા ગામના સરપંચશ્રી ગુલાબભાઈ વસાવા, સજનવાવ ગામના સરપંચશ્રી જીતેશભાઇ વસાવા, તાલુકાના સ્થાનિક અગ્રણીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, ગામના સભ્યો, આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મયોગીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.


Share to

You may have missed