કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ રાજપીપલા ખાતેથી તિરંગા યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
દેશની માટીનું ઋણ અદા કરવા અને વીર જવાનોના ત્યાગ બલિદાનને બિરદાવવા નાંદોદ તાલુકાની ભદામ પ્રાથમિક શાળા ખાતે શીલાફલમનું અનાવરણ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી
કેન્દ્રીય મંત્રીશ્રીના પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે સૌ નાગરિકોએ અમૃતકાળના પંચ પ્રણની સામુહિક પ્રતિજ્ઞા લીધી
રાજપીપલા, સોમવાર :- દેશની માટીનું ઋણ અદા કરવા તેમજ આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરો, વીર શહીદોના બલિદાનની બિરદાવવા ‘મારી માટી, મારો દેશ’ ઝુંબેશ ચાલી રહી છે. જેને અનુલક્ષીને નાંદોદ તાલુકાની ભદામ પ્રાથમિક શાળા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શીલાફલકમનું અનાવરણ કરાયુ હતુ.
આ પ્રસંગે મંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ ઝુંબેશ અદભૂત છે. જે દેશવાસીઓમાં દેશપ્રેમની ભાવનાનું નિર્માણ કરવા સહિત દેશને એકસૂત્રતામાં જોડવાનું કાર્ય કરશે. શાળાના પટાંગણમાં કેન્દ્રીય મંત્રીશ્રીના પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે સૌ ગ્રામજનો, બાળકોએ હાથમાં માટીના દીવામાં માટીની સાક્ષીમાં રાષ્ટ્રના વિકાસ, દેશના વારસાનું સંરક્ષણ, દેશની એકતા અને પોતાના ફરજો, જવાબદારી સહિત ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અંગે અમૃતકાળના પંચ પ્રણની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઝુંબેશ સંલગ્ન સેલ્ફી પણ લીધી હતી. ઉપરાંત વૃક્ષા રોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો.
વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાજીએ શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલના પટાંગણ ખાતેથી તિરંગા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યાં શાળા-કોલેજના બાળકો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલના વિદ્યાર્થીઓ સહિત પોલીસ વિભાગ તથા તેમની સાથે સંકળાયેલા વિવિધ પાંખના જવાનોએ રેલી થકી રાજપીપલા નગરજનોમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો.
મંત્રીશ્રી રૂપાલા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાંસદ સર્વશ્રી મનસુખભાઈ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઈ પટેલે તિરંગા યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રીના પ્રવાસ કાર્યક્રમમાં રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. જ્યાં મંત્રીશ્રીએ મા ભારતીને નમન-વંદન કરીને દેશના વિભાજન વખતની પરિસ્થિતિ અંગે દર્શાવવામાં આવેલ પ્રદર્શની નિહાળી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ દેશની નવયુવા પેઢીને દેશના ઇતિહાસ અને વારસાથી પરિચિત રહેવા અંગે અનુરોધ કર્યો હતો.
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…