DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલી જે.ટી.નું રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાપર્ણ

Share to



જેટીની સુવિધા ઉપલબ્ધ થતા માં નર્મદાના લાખો પરિક્રમાર્થીઓને હવે કોઈ મુશ્કેલી નહીં પડે – મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી, સાધુસંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતીમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી માં નર્મદાને સાડી અર્પણ કરાઈ

ભરૂચ- શુક્રવાર-  સમગ્ર ભારત વર્ષની એકમાત્ર નદી માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરતા હોય છે. સમગ્ર નર્મદા પરિક્રમા માં રેવાનાં સંગમ તિર્થ વમલેશ્વર એ નર્મદા પરિક્રમા માટે અનોખું મહત્વ ધરાવે છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે દરિયો પસાર કરવા માટે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઇ રા્જય સરકાર નર્મદા,જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈન બોર્ડ દ્વારા રૂપિયા ૨૧.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીશ્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

           આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પરિક્રમાવાસીઓની મુશ્કેલી જોઈ, જે દૂર કરવા માટે કરેલા દુરંદેશી વિચારોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે સાકાર કરી આ જેટીનું નિર્માણ કર્યું છે. આજે આ પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો સંદેશો લઈને હું અહીં આવ્યો છું અને આ પવિત્ર કાર્યમાં મહત્વના પ્રોજેક્ટને પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકતા આનંદની લાગણી અનુભવુ છું. કેન્દ્ર સરકારના સાનિધ્યમાં ગુજરાત સરકાર હંમેશાં વિકાસના માર્ગે ડબલ ગતિથી આગળ ધપી રહી છે ત્યારે દરેક ક્ષેત્રમાં પછી તે આધ્યાત્મિક હોય કે નાગરિકોના કલ્યાણની વાત હોય સૌની સુખાકારી માટે સતત ચિંતા કરી છે. જેના ફળ આપણે સહુ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ.
       વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેઓ હંમેશાં ભારતના ગામડાઓના વિકાસ પર ભાર મૂકે છે. કારણ કે ગામડા સશક્ત થશે તો જ દેશ સશક્ત બનશે અને આજ પથ ઉપર ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ત્યારે ગુજરાત સરકારના મેરિટાઈમ વિકાસ બોર્ડ દ્વારા હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે નિર્માણ પામેલી આ જેટીનું લોકાર્પણ થતાં હવે માં નર્મદાના લાખો પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે અને પદયાત્રીઓ તેઓની યાત્રામાં સરળતાથી આગળની વધી શકશે.



      આ પ્રસંગે હાંસોટ – અંક્લેશ્વરના ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્રણી શ્રી પ્રકાશભાઈ મોદી, શ્રી હરીશભાઈ રાવલ, શ્રી ગિરિશાનંદ સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદબોધન કરી પરિક્રમાર્થીઓ અને સ્થાનિકો વતી સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

      જેટીના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી, સાધુસંતો અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી માં નર્મદાને સાડી અર્પણ કરી બોટની પણ પૂજા કરવામાં આવી હતી.

       અત્રે ઉલ્લેખનીય છે કે, જેટીનો એપ્રોચ 350.00 X 3.00 M અને 30.00 X8.00 M માં જેટી બનાવવામાં આવી છે. આ ઉપરાંત પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તા.૨૧/૧૨/૨૦૨૪ થી તા.૦૬/૦૫/૨૦૨૫ સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

       આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, રામકુંડ તિર્થ અંકલેશ્વરના શ્રી ગંગાદાસ બાપુ, ભરૂચના અગ્રણી શ્રી મારૂતિસિંહ અટોદરિયા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેરશ્રી વી. પી. તલાવિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, તાલુકા પંચાયત અંકલેશ્વર અને હાંસોટના પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed