October 12, 2024

તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ તથા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો*

Share to

*વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું*
*મહાનુભાવોએ શ્રમદાન કરીને માર્ગની સફાઈ કરી*
*છોટાઉદેપુર, મંગળવાર ::* તેજગઢ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે સાંસદ શ્રી જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર સેવાસેતુના માધ્યમથી આપણા દ્વારે પહોંચી છે. આ કાર્યક્રમના થકીથી લોકોની અરજીઓનો ઝડપી નિકાલ થઈ રહ્યો છે. દાખલા, કે.વાય.સી., રાશનકાર્ડ, આધારકાર્ડ સહિતની કામગીરી સ્થળ ઉપર જ ઉપલબ્ધ બની છે. તેમણે પાત્રતા ધરાવતા તમામ લોકોને આવાસ માટે સત્વરે અરજી કરવાનું જણાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સ્થળ પરથી જ અરજીઓનો નિકાલ કરવાનો સુદ્રઢ અભિગમ એટલે સેવાસેતુ કાર્યક્રમ. જેના દ્વારા લોકોને પાયાની યોજનાઓની સેવાઓ એક જ પ્લેટફોર્મથી આપવામાં આવે છે. તેમણે લોકોને પોતાના ફળિયા ઘર અને શેરીઓને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા.
‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ શ્રમદાન કરીને માર્ગની સફાઈ કરી હતી અને સ્વચ્છતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, મામલતદાર શ્રી આર. આર. ભાભોર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પૂનમબેન ડામોર, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી નગીનભાઈ રાઠવા તાલુકા, સદસ્ય શ્રી આકાશભાઈ ચૌહાણ, અગ્રણીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to