*સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની ઉત્તમ સુવિધાઓ*
ભરૂચ – મંગળવાર – ભરૂચ જિલ્લામાં પડેલા સતત વરસાદ અને નર્મદા નદીના જળસ્તરમાં થયેલા વધારાને પગલે કોઇ જાનહાની ના થાય એ માટે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચ સાથે સમગ્ર વહીવટીતંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને ભરૂચ શહેરમાં નર્મદા નદી આસપાસ વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં ૨૮૦ વ્યક્તિને આશ્રય આપવામાં આવ્યો છે. જેમના માટે સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન, પીવાના પાણી, દવા સહિતની ઉત્તમ સુવિધાઓ સહિતની વ્યવસ્થા સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
કલેક્ટર કચેરીના નિયંત્રણ કક્ષમાંથી ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટી, રોકડીયા હનુમાનજી મંદીર વિસ્તાર, નવજીવન ઝુંપડપટ્ટી અને કસક વિસ્તારમાં આશ્રિત લોકોને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે.
આ તમામ પરિવારો માટે સવારે નાસ્તો અને બપોર-સાંજના ભોજનની વ્યવસ્થા જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.
બીજી તરફ જિલ્લામાં વરસાદી પાણીથી પ્રભાવિત આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા નાગરિકોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રયસ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ના પ્રસરે એ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.