September 7, 2024

ઝઘડિયાના ગોવાલી ગામે  મહિલા અને તેની દિકરીને માર મારી ધમકી આપનાર બે ઇસમો સામે ફરિયાદ

Share to

રિપોર્ટર / સતીશ વસાવા DNS NEWS ઝગડીયા

અગાઉના ઝઘડાની રીશ રાખીને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાન કર્યુ હોવાની ફરિયાદથી ચકચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના બે ઇસમોએ ગામની એક મહિલા અને તેની દિકરીને લાકડીના સપાટા મારી ગાળો બોલીને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હોવા બાબતે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.૧૪ મીના રોજ સાંજના સવાનવ વાગ્યાના અરસામાં ગોવાલી ગામનો હરેશ મગનભાઈ પાટણવાડીયા નામનો ઇસમ ફળિયામાં રહેતી નયનાબેન પ્રવિણભાઇ રોહિતના ઘરે આવ્યો હતો તે સમયે નયનાબેન અને તેમની દિકરી હિરલબેન તેમજ દિકરો પ્રતિક ત્રણેય ઘરમાં બેઠેલા હતા. હરેશ પાટણવાડીયા નયનાબેનના દિકરા પ્રતિક વિષે પુછતો હતો,અને પ્રતિકને શોધવા લાગ્યો હતો. આ સમય દરમિયાન પ્રતિક ઘરના પાછળના ભાગેથી નીકળીને ત્યાંથી ભાગી ગયો હતો. પ્રતિક ઘરમાં નહિ મળતા હરેશ ફરીથી ઘરમાં આવીને પ્રતિક વિષે પુછવા લાગ્યો હતો અને બન્ને માદિકરીને ગાળો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન ગામનો સંજય નટુભાઇ પાટણવાડીયા નામનો ઇસમ પણ હાથમાં લાકડીનો સપાટો લઇને આવ્યો હતો અને ત્યારબાદ બન્ને ઇસમો માતાપુત્રીને લાકડીના સપાટા અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા,અને જાતિ વિષયક અપશબ્દો બોલીને કહેતા હતા કે તમને અમારા ફળિયામાં રહેવા નહિ દઇએ.તમારું ઘર પણ સળગાવી દઇશું.આ દરમિયાન ફળિયાના લોકો ભેગા થઇ જતા તે બન્ને ઇસમો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. અગાઉના ઝઘડાની રીશ રાખીને આ ઝઘડો કરાયો હોવાનું જણાવાયું હતું.ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના સંદર્ભે હિરલબેન રોહિતની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે હરેશ મગનભાઈ પાટણવાડીયા અને સંજય નટુભાઇ પાટણવાડીયા બન્ને રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Share to

You may have missed