વન મહોત્સવ અંતર્ગત રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો
–
:
નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ:
* તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સને ૨૦૦૪થી ૨૦૨૩ સુધી કુલ ૨૨ સાંસ્કૃતિક વનની સ્થાપના કરી છે
* ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપી હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો છે
* ખેડૂતમિત્રો ખેતીની સાથે સાથે વૃક્ષોના વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થયા જેથી તેમની આજીવિકામાં પણ સુધારો થયો છે
——–
વૃક્ષોનું જતન કરવા માટે માતાના નામની સાથે પરિવારના સભ્યના નામે પણ વૃક્ષ રોપવામાં માટે અનુરોધ કરતા ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા
——–
દર વર્ષે મારા ખેતરમાં ૧૦ થી વધુ વૃક્ષો ઉછેરીને જનત કરું છું: છોટા ઉદેપુરના સાંસદશ્રી જશુભાઇ રાઠવા
——–
મહાનુભાવો હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું: સાથે પ્રશસ્તિપત્ર પણ અર્પણ કરાયા
——–
ચાલુ વર્ષ દરમિયાન DCP અને SHG ગૃપ નર્સરી યોજના હેઠળ જિલ્લામાં કુલ ૬૫ લાભાર્થીઓને રૂપિયા ૮.૪૦ લાખના રોપાઓનું વાવેતર કરાયું
——–
રાજપીપલા, બુધવાર:- ‘એક પેડ, માં કે નામ’ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાના ૭૫ મા વન મહોત્સવની ઉજવણી ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે સરદાર ટાઉન હોલ પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના કર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતના પનોતાપુત્ર અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્વ. કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ વનમહોત્સવની શરૂઆત કરાવી હતી. સમાજના તમામ વર્ગના લોકોને આ ઉમદા પ્રવૃતિમાં જોડાવા હાકલ કરી હતી. જેને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૪થી શરૂ કરેલી આ પરંપરામાં વર્ષ ૨૦૨૩ સુધીમાં કુલ ૨૨ સાંસ્કૃતિક વનોની સ્થાપના કરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૮ મી ઓગષ્ટ- ૨૦૨૪ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હરસિદ્ધિ માતા મંદિર, ગાંધવી ગામે ૨૩માં સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારશ્રીના આ સતત પ્રયત્નોથી અને રાજયના પર્યાવરણ પ્રેમી લોકોને સાથે રાખી રાજ્યએ વન ક્ષેત્રે નવી સિધ્ધીઓ હાંસલ કરી છે.
સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત રાજ્યએ હરણફાળ ભરી છે. રાજયના વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોના વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થયા છે. તેમની પૂરક આજીવિકામાં વધારો થયો છે. રાજય સરકાર દ્વારા વૃક્ષોની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો વૃક્ષોની ખેતી તરફ વળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે બિન સરકારી સંસ્થાઓ તેમજ લોકભાગીદારીના બહોળા પ્રતિસાદ દ્વારા વનવિસ્તારમાં અકલ્પનીય વધારો થયો છે. ગુજરાતની જનતાનો સામાજિક વનીકરણ માટે હંમેશા સહયોગ મળી રહ્યો છે. વિવિધ બિન – સરકારી સંસ્થાઓ દ્વારા સમયાંતરે લોકજાગૃતિ માટે કાર્યક્રમો યોજી ગુજરાતને હરિયાળું બનવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે. તેમ પણ તેઓશ્ચીએ ઉમેર્યું હતું.
નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજયના તમામ ૩૩ જિલ્લાઓમાં “વૃક્ષ રથ” દ્વારા લોકોને તેમની જરૂરીયાત મુજબના રોપા તેમના ઘર – આંગણે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે શાળા/કોલેજો, જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલા ઉદ્યોગો, રાજયોના ઔદ્યોગિક એકમો, ગ્રામ્ય – શહેરી વિસ્તારોમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપી હરિયાળા ગુજરાતના સંકલ્પને સિધ્ધ કરવાનો છે.
આ વેળાએ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે સામજિક વનીકરણ વિભાગ, સંસ્થાઓ દ્વારા સ્થાનિક ખેડૂતોને છોડ આપીને તેનું જતન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના માધ્યમથી વનવિસ્તારોની સતત ચિંતા કરે છે. આપણી આસપાસ રહેલા વનોની ચિંતા આપણે પણ કરવાની છે. દિન પ્રતિદિન વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ માટે વૃક્ષો ઉછેરમાં જરૂર છે. સૌએ પોતાની જવાબદારી સમજીને વૃક્ષોનું વાવેતર અને જતન કરવું જોઇએ. આદિવાસીઓનું જીવન સિક્કાની બે બાજુની જેમ વૃક્ષો સાથે જોડાયેલું છે. ત્યારે માતાના નામની સાથે પરિવારના સભ્યના નામે પણ વૃક્ષો રોપવા માટે અનુરોધ કર્યો હતો.
છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયા પછી દર વર્ષે વૃક્ષોનું જતન કરવા માટે ઉજવણી થઈ રહી છે. ત્યારે વૃક્ષોની મહત્વતા, મુલ્ય અને માવજત અને સાચવવા માટે નરેન્દ્રભાઈ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌએ વૃક્ષો વાવી કાળજી રાખવાની છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા પાંચ વર્ષથી વૃક્ષોનું અવિરત જતન કરું છું અને દર વર્ષે મારા ખેતરમાં ૧૦ થી વધુ વૃક્ષો ઉછેરુ છું તેનું જનત કરું છું.
નાંદોદના ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખે પણ વન સંપદાઓની જાળવણી, સંવર્ધન, વૃક્ષ ઉછેર અને જંગલમાંથી ઉપલબ્ધ વન્ય પેદાશો થકી સ્થાનિક લોકોને મળી રહેતા રોજગારીના માધ્યમો અંગે પણ વિસ્તૃતમાં પ્રેરક ઉદબોધન કર્યું હતું. નાયબ વન સંરક્ષક શ્રી નિરજકુમારે નર્મદા વનીકરણનેલગતી જિલ્લામાં થઈ રહેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો.
૭૫માં વન મહોત્સવની ઉજવણીમાં DCP અને SHG ગૃપ નર્સરી યોજના હેઠળ નર્મદા જિલ્લામાં કુલ ૬૫ લાભાર્થીઓએ ચાલુ વર્ષમાં રૂપિયા ૮.૪૦ લાખના રોપા ઉછેર્યા છે. જેમાં રૂપિયા ૨૮.૧૬ લાખની વળતરની રકમ ત્રણ હપ્તામાં લાભાર્થીઓને ચુકવાવમાં આવી છે. ૬૫ લાભાર્થીઓ પૈકી મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી ૧૦ જેટલા લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા હતા. જ્યારે ૨૦૨૪-૨૫ ના વર્ષમાં ૭૫ માં વન મહોત્સવ અંતર્ગત લોકભાગીદારીથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવવાની તેમજ વન વિભાગ સાથે સહભાગી થઈ વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ/પ્રશંશનીય કામગીરી કરવા બદલ સંસ્થાઓને અને વન કર્મીઓને પ્રશસ્તિપત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત નર્મદા જિલ્લા સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી એમ .એચ. પટેલે કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અંતમાં આભારવિધિ મદદનીશ વન સંરક્ષકશ્રી (સા.વ.વિ) જે. એ. સોલંકીએ કરી હતી. ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંગભાઇ તડવી, દૂધધારા ડેરીના ચેરમેનશ્રી અને ધારીખેડી સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, રાજવી પરિવારના મોભી શ્રી રઘુવીરસિંહજી અને શ્રીમતી રૂકમણીદેવીજી, સ્થાનિક અગ્રણી વિક્રમભાઈ તડવી, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, સામજિક વનીકરણ વિભાગનાઅધિકારી-પદાધિકારીઓ સહિત લાભાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.