DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દેડિયાપાડા પોલીસ સ્ટેશનથી પ્રારંભાયેલી તિરંગા યાત્રામાં પોલીસ જવાનોએ જમાવ્યું અનેરુ આકર્ષણ

Share to

હર ઘર તિરંગા અભિયાન : નર્મદા જિલ્લો

“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા વિવિધ વિભાગના પોલીસ જવાનોની એકતા અને અનુસાશનના અનોખા અંદાજ જોઈને નગરવાસીઓ મંત્રમુગ્ધ થયા

પોલીસ જવાનોની વિશાળ રેલીને સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર નિહાળી

રાજપીપલા,રવિવાર :-વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા”નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને આજે દેડિયાપાડા પોલીસ સ્ટેશનથી પ્રારંભાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામા પોલીસ જવાનો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથેની પોલીસ જવાનોની આ ભવ્ય તિરંગા યાત્રાએ દેડિયાપાડામાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.

“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા પોલીસ વિભાગ દ્વારા પ્રારંભાયેલી આજની આ વિશાળ રેલીમાં દેડિયાપાડા સહિત તમામ તાલુકાઓમાંથી વિવિધ વિભાગના પોલીસ જવાનોની એકતા અને અનુસાશનના અનોખા અંદાજ જોઈને નગરવાસીઓ મંત્રમુગ્ધ થયા હતાં. સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેડિયાપાડા ટાઉન પોલીસ સ્ટેશનના ખાતેથી વિશાળ રેલી નિકળી હતી. જેમાં પોલીસ જવાનોને તિરંગા લહેરાવતા જોઈ સ્થાનિકોમાં દેશભક્તિની લહેર દોડી ગઈ હતી. આ તિરંગા યાત્રાનો હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો હતો.

રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને આ એકતાનો પરિચય આજે પોલીસ વિભાગ સાથે સંકળાયેલા દરેક જવાને હાથમાં તિરંગો લઈને ગ્રામજનોને આપ્યો છે. જવાનોની આ વિશાળ રેલીને સ્થાનિક રહેવાસીઓએ ઘરની બહાર નીકળી તેમજ યાત્રાના રૂટના દુકાનદારોએ પણ ઉત્સાહભેર નિહાળી યાત્રાને વધાવી હતી. આમ હર ઘર તિરંગા અભ્યાન અંતર્ગત યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો થકી દેડિયાપાડામાં ફરી એકવાર દેશની આઝાદી જેવો માહોલ જોવા મળ્યો હતો.


Share to

You may have missed