December 6, 2024

ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

Share to

“હર ઘર તિરંગા” અભિયાન:- ભરૂચ

તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી બનવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી

***
ભરૂચ- ગુરુવાર – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. દેશના સ્વાતંત્ર્ય પર્વે પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને ભરૂચ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ જિલ્લા અને તાલુકાના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવાના હેતુથી ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ કહ્યુ કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે ૧૦ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ સુધી ગત વર્ષની જેમ ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. જિલ્લાના તમામ ગામ, તાલુકા અને શહેરમાં શાનથી તિરંગો લહેરાવી, તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના પ્રત્યેક ઘર, સહકારી, શૈક્ષણિક સંસ્થાઓ,ઔદ્યોગિક અને ખાનગી એકમો, વેપારીઓ પણ આ અભિયાનમાં જોડાય તે માટે જરૂરી વિગતો અને માર્ગદર્શન પહોંચાડવું વગેરે સૂચનો તેમણે કર્યા હતા. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીશ્રીઓને તેમણે કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું

જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંગર્તગ ‘હર ઘર તિરંગા’ ‘તિરંગા મેળા’ અંતર્ગત કુટિર ઉદ્યોગોની પ્રદર્શની અને દેશભક્તિ થીમની ફિલ્મનું નિદર્શન પણ યોજાશે. ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, દેશભક્તિ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાશે. ગ્રામ્ય કક્ષાએ પ્રભાતફેરી, તિરંગા યાત્રા જેવાં અનેકવિધ કાર્યક્રમો યોજવાના રહેશે. પદાધિકારીશ્રીઓ, સામાજિક સંસ્થાઓ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો, તમામ કચેરીના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જવાનો, સખી મંડળો, આંગણવાડીના બહેનો, આશા વર્કરો, જોડાશે. જે-તે વિસ્તારના આઇકોનિક સ્થળોને આવરી લેવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોશી, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ઉપરાંત અન્ય કચેરીઓના લાયઝન અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જોડાયા હતા.


Share to

You may have missed