November 28, 2024

સુરતમાં ‘મુન્નાભાઈ MBBS’નો રાફડો: 16 બોગસ ડોક્ટર ઝબ્બે, વોર્ડ બોય-મેડિકલ સ્ટોરકર્મીઓએ ક્લિનિક ખોલ્યા, 10-12 ભણેલા દર્દીઓની સારવાર કરતા

Share to

સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. શહેરના સ્લમ વિસ્તારમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે, આ તમામ ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની મેડિકલ કે ડૉક્ટરની ડિગ્રી નથી. તેઓ માત્ર ધોરણ-10 અથવા 12 સુધી જ ભણ્યા છે.

ધો.10-12 ભણેલા લોકો કરી રહ્યા હતા દર્દીની

સારવાર

સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે, શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડૉક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ-અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડીંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે SOG પણ ચોકી ઉઠી હતી. SOGની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે, ત્યાં માત્ર ધોરણ-10 અને 12 સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે. ક્લિનિકમાં 4-5 એવા દર્દીઓ હતા કે, જેઓને ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવી રહ્યા હતા.

બોગસ ડૉક્ટરો સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતાં આ સમગ્ર મામલે SOGના પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે, એમની પાસે કોઈ ડીગ્રી નથી અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા. આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ડીંડોલી, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે. તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે.

ડિગ્રી વગર જ તાવ, ઉધરસ, મલેરિયા જેવાં રોગોની સારવાર કરતાં

આ બોગસ ડૉક્ટરો ખાસ સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાં ક્લિનિક ખોલતા હતા કારણ કે, ત્યાં ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે અને ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી. આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે. તાવ, ઉધરસ, મલેરિયા જેવાં રોગોનો સારવાર કરતાં હતાં. એક દર્દી પાસેથી રૃપિયા 50થી લઈ 500 દવા પ્રમાણે આ લોકો સારવારના નામે લેતા હતા.

ગ્રેજ્યુએશનની પણ ડિગ્રી નહોતી

સામાન્ય રીતે જ્યારે પણ આવા પ્રકરણમાં ડોક્ટરની ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેઓની પાસે હોમિયોપેથી અથવા તો આયુર્વેદિક ની ડિગ્રી મળી આવતી હોય છે પરંતુ, જ્યારે સુરતના વિસ્તારમાં SOG દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ તમામ ઝોલાછાપ ડૉક્ટરો પાસે ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી પણ નહોતી અને તેઓ કોઈપણ પ્રકારના ડરથી મુક્ત થઈ આરામથી લોકોની સારવાર કરી રહ્યા હતા.

તમામ પ્રકારના ઉપકરણ અને દવાઓ એમની પાસે ઉપલબ્ધ હતા

તેઓએ જણાવ્યું હતું કે, આ ડોક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી નથી. આ લોકો માત્ર 10થી 12 પાસ છે. લોકોને પોતાની ઓળખ ડૉક્ટર તરીકે આપી લોકોની સારવાર કરતા હતા. તેમની પાસેથી એન્ટીબાયોટિક, ઇન્જેક્શન પેઈન કિલર, બીપીના મશીન, ગ્લુકોઝના બાટલા મળી આવ્યા છે. જે દવા અને ઉપકરણ સામાન્ય ડોક્ટર રાખે છે, તે તમામ પ્રકારના ઉપકરણ અને દવાઓ એમની પાસે ઉપલબ્ધ હતા.

ડિંડોલીમાંથી 7 અને પાંડેસરામાંથી 9 બોગસ ડૉક્ટર મળ્યા

SOG દ્વારા બોગસ ડૉક્ટરો સામે એક મુહિમ ચલાવવામાં આવી હતી. એમાં પાંડેસરા અને ડીંડોલી વિસ્તારની અંદરથી અલગ-અલગ જેટલા પણ સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકાના ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. ડીંડોલી વિસ્તારમાંથી સાત, પાંડેસરા વિસ્તારમાંથી નવ બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા.


Share to

You may have missed