November 29, 2023

વલસાડ જિલ્લામાં આયોજિત 77 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થઈને તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું.

Share to



દેશની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરીને તેમને વંદન પાઠવ્યા. આવનારા સમયમાં પાંચ સ્તંભો પર આધારિત ગુજરાતના વિકાસના વિઝનની તેમજ શિક્ષણ, આવાસ, મહિલા ઉત્કર્ષ, યુવા સશક્તિકરણ, સુશાસન સહિતના પાસાઓમાં ગુજરાતે હાથ ધરેલ વિવિધ પહેલની રૂપરેખા નાગરિકો સમક્ષ રજૂ કરી.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આ અમૃતકાળ સૌ નાગરિકો માટે કર્તવ્યકાળ બને અને સહિયારા પુરુષાર્થથી આ લક્ષ્યને સાકાર કરવા સૌ સંકલ્પિત બને તેવો અનુરોધ કર્યો.

સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી અવસરે, આદિજાતિ ડાંગ જિલ્લાના 279 ગામોમાં સરફેસ સોર્સ આધારિત પાણી પુરવઠા માટેની રૂ. 866 કરોડની યોજનાની જાહેરાત કરી. આ યોજના અંતર્ગત 3,71,000 જેટલી વસતીને રોજનું 38 MLD પાણી પ્રાપ્ત થશે.

સ્વાતંત્ર્ય પર્વના અવસરે પોલીસ જવાનોની પરેડ, ઊર્જાસભર કરતબો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને દેશપ્રેમની ભાવનાથી ભરી દીધું હતું.


Share to