December 10, 2023

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

Share to*રાષ્ટ્રની અસ્મિતા એવા તિરંગાને સલામી આપી મંત્રીશ્રી હળપતિએ પોલીસ પરેડનું નિરિક્ષણ કરીને હર્ષ ધ્વની સાથે સલામી ઝીલી*

*ગરૂડેશ્વર તાલુકાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે મામલતદારશ્રીને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો*

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર સ્થિત જૂની સરકારી હાઈસ્કૂલના પટાંગણમાં જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વાતંત્રતા પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

દેશની આન, બાન, શાન, સન્માન અને રાષ્ટ્રની અસ્મિતા એવા તિરંગાને લહેરાવીને સલામી આપી પોલીસ પરેડનું નિરિક્ષણ કરીને હર્ષ ધ્વની સાથે સલામી ઝીલી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ અને જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે પણ જોડાયા હતા.

રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાજોગ સંબોધન કરતા જણાવ્યું કે, ભારતની આ ભૂમિના સપુતોના રક્તમાં સુરવીરતા, સાહસ અને સમર્પણની ભાવના રહેલી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અને પૂર્ણાહૂતીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે ‘મારી માટી, મારો દેશ’ થીમ આધારિત એક અદભુત ઝુંબેશ શરૂ કરી છે.

દેશની માટીનું ઋણ અદા કરવા અને આઝાદી માટે ત્યાગ, બલિદાન આપનારા મહાનાયકો, વીરો, શહીદોના સન્માનમાં દેશના તમામ ગામોમાંથી માટીને એકત્રિત કરીને દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર લઈ જઈને અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવનાર છે.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસીઓના સાચા હ્રદયથી ચિંતા કરતા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી આદિવાસી સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષની દિશામાં નવતર પહેલ કરી હતી જે આજે પણ કાર્યરત છે. આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આવાસિય સુવિધાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી શ્રેષ્ઠ સારવારની સુવિધાઓ, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પાયલટ, ઇજનેર, ડોક્ટર બને તે માટે સરકારશ્રીની સ્કોલરશિપ યોજનાઓ અમલી બની છે જેનો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.

વડાપ્રધાનશ્રીએ આદિવાસી ઉત્કર્ષ માટે રોપેલા બીજરૂપ યોજનાઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃ્ત્વમાં રાજ્ય સરકારે આગળ ધપાવી કોટવાળિયા, હળપતિ સહિતના તમામ આદિવાસી સમાજના બાંધવોને વીજળી, પાણી, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગારીની તકો ઉપલબ્ધ કરાવીને વિકાસની મુખ્યધારામાં લાવવાના ઉમદા અને પરિણામલક્ષી કામ કર્યા છે. રાજ્યના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને પર્યટન, કનેક્ટિવિટી, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણની દિશામાં પરિણામલક્ષી કાર્ય કર્યુ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના પ્રતિનિધિત્વમાં ભારત દેશ વિશ્વના નકશામાં વિકસિત દેશોની હરોળમાં પોતાને પ્રસ્થાપિત કરી રહ્યું છે. ભારત દેશને વિશ્વપટલ પર સન્માનની ભાવનાથી જોવામાં આવે છે. G-20 વિશ્વનું સૌથી શક્તિશાળી સંગઠન છે જેનું ભારત પ્રમુખ પદ ભોગવી રહ્યું છે. ગુજરાતમાં પણ G-20 અંતર્ગત અનેક બેઠકો થઈ ચૂકી છે. ગુજરાતના મહેમાન બનેલા વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો, પર્યટન અને મહિલા ઉત્થાન સાથે રોજગારીની તકો ઉભી કરીને વિકાસને વેગવાન બનાવવા માટે રાજ્ય સરકાર સાથે MOU કર્યા છે, તેથી વિશ્વમાં ગુજરાતને પણ એક નવી ઓળખ મળી છે. જેનો શ્રેય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ફાળે જાય છે. મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા માટે સરકારશ્રીની સાથે પ્રજાજનોની પણ જનભાગીદારી અતિમહત્વપૂર્ણ રહી છે.

૭૭ માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રીએ તાલુકાના વિકાસ કામો માટે ગરૂડેશ્વર તાલુકા મામલતદારશ્રી મનીષભાઈ ભોયને રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. ઉપરાંત, સરકારશ્રીની મહત્વકાંક્ષી સ્વામિત્વ યોજના અન્વયે ૨ મિલકતધારકોને મિલકતોના પુરાવા તરીકે પ્રોપર્ટી કાર્ડ પણ મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરાયું હતું.

રાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી ઉપલબ્ધિ હાંસલ કરનારા ખેલાડીઓનું સન્માન તેમજ વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી અને સેવા બદલ કર્મચારીશ્રીઓ સહિત લોકોમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા તાલીમ આપતા યોગ સાધકોને પ્રશસ્તિપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતન માટે પ્રેરક સંદેશો પણ પાઠવ્યો હતો.

મંત્રીશ્રીએ યોગ ટ્રેનરો અને શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત કરાયેલા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને રસપૂર્વક નિહાળ્યા હતા.

આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ભીલ, સરપંચશ્રી મેઘનાબેન તડવી, રાજપીપલાના રાજવી પરિવારનાશ્રી રઘુવીરસિંહ અને માનવેન્દ્રસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટરશ્રી સી.એ.ગાંધી સહિત જિલ્લા-તાલુકાના ઉચ્ચ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, પોલીસ વિભાગના જવાનો, શાળા-કોલેજના બાળકો, નાગરિકો આ પર્વમાં સહભાગી બન્યા હતા.

બોક્ષ : –

*આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે….*

– વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારત દેશને વિશ્વપટલ પર સન્માનની ભાવનાથી જોવામાં આવે છે.
– ‘વનબંધુ કલ્યાણ યોજના’ ગુજરાતના આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે સાચા અર્થમાં ફળીભૂત થઈ છે.
– વિશ્વમાં ગુજરાતની આગવી ઓળખ ઉભી થઈ છે જેનો શ્રેય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ જાય છે.
– ભારત દેશ વિશ્વના નકશામાં વિકસિત દેશોની હરોળમાં આવવા અગ્રેસર બન્યો છે.
– મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં રાજ્ય સરકારે કોટવાળિયા, હળપતિ સહિત તમામ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed