September 9, 2024

ગરૂડેશ્વરના શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક અંદાજિત બે હેક્ટર વિસ્તારમાં સામાજિક વનીકરણ વિભાગ-નર્મદા દ્વારા કૃષ્ણ કમલ વાટિકાનું નિર્માણ કરાયુ

Share to



*૧૮૦૦ જેટલી ક્રૃષ્ણ કમલ વેલનું વાવેતર કરાતા આજે શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન મહાદેવને શ્રદ્ધા અને આસ્થા સાથે ભાવ પૂર્વક કૃષ્ણ કમલ અર્પણ કરવામાં આવી રહ્યાં છે*

નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની આસપાસના વિવિધ પ્રવાસન પ્રકલ્પોના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત ગોરા ગામ સ્થિત શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની ધાર્મિક મહત્વતાના કારણે અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પવિત્ર શ્રાવણ માસ તેમજ અધિક શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને બીલીપત્ર સહિત અનેક પ્રકારના ફૂલોનો ઉપહાર ધરાવવામાં આવે છે. સાથે સાથે કૃષ્ણ કમલ ફૂલ પણ મહાદેવની પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શ્રદ્ધાળુઓની માગને ધ્યાને રાખીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષ્ણ કમલ વેલનું શુલપાણેશ્વર મહાદેવ મંદિરની પાસે વાવેતર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓના સૂચનને ધ્યાને રાખીને સામાજિક વનીકરણ વિભાગ-નર્મદા દ્વારા શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી જગ્યામાં અંદાજે ૧૮૦૦ જેટલી ક્રૃષ્ણ કમલ વેલનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેની સાથે બીલી, કૈલાશપતિ, વડ, ઉમરો, સીતા, અશોક જેવા ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોનું અંદાજિત બે હેક્ટર જેટલી જગ્યામાં કુલ ૨૨૦૦ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જે હાલમાં ફળ-ફૂલોથી મહોરી ઉઠ્યાં છે.

આ કૃષ્ણ કમલ વાટિકાના નિર્માણ કાર્યમાં શ્રી એસ.કે.ચતુર્વેદી (હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ), ડો.કે.શશીકુમાર(વન સંરક્ષકશ્રી ભરૂચ), શ્રી રામ રતન નાલા (ડાયરેક્ટરશ્રી – જંગલ સફારી) અને શ્રી મિતેષ પટેલ (નાયબ વન સંરક્ષકશ્રી-સામાજિક વનિકરણ-નર્મદા) ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અહીં છોડના જતન માટે ફેન્સીંગ, ડ્રીપ ઇરીગેશન તેમજ સુંદર ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ અધિક શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા આ ક્રૃષ્ણ કમલ વાટિકાના ફૂલ ભગવાન મહાદેવને શ્રદ્ધા અને આસ્થા સાથે અર્પણ કરવામાં આવી રહ્યાં છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to

You may have missed