*- ચોમાસા અગાઉ હાઇવેનું નવીનિકરણ અથવા રિપેરિંગ કરવા માંગ ઉઠી હતી છતાં નેશનલ હાઇવેના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રા માંથી જાગતા નથી*
*- સાગબારા તાલુકાના અસંખ્ય ગામો સહિત મહારાષ્ટ્ર અને દક્ષીણના રાજ્યોના વાહન વ્યવહાર ને ભારે અસર*
*- હાઈવે ઉપર પડેલા બે બે ફૂટ ઊંડા અને 10 10 ફૂટ પહોળા ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે*
*- રસ્તામાં ખાડાઓ છે કે ખાડાઓમાં રસ્તો કહેવું મુશ્કેલ બન્યું*
*ભરૂચ સાંસદ ડેડીયાપાડા થી સાગબારા બસમાં એકવાર આંટો મારે તેવી તાલુકાવાસીઓની માંગ*
સાગબારા -ડેડીયાપાડા વચ્ચે નો 26 કિમીનો નેશનલ હાઇવે 753બી વરસાદને પગલે બિસમાર બનતા વાહન વ્યવહાર સહિત તાલુકાવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ રસ્તા ઉપર મહદ અંશે સાગબારા અને ડેડીયાપાડા તાલુકાના ગામડાઓના લોકો સહિત મહારાષ્ટ્રના અને દક્ષિણ ના રાજ્યોના વાહનો અવરજવર કરે છે ત્યારે હાઇવે બિસમાર બનતા હલાકીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતા રાજ્યના અતિ પછાત એવા સાગબારા તાલુકામાં થઈને પસાર થતો નેશનલ હાઇવે 753 બી જ્યાંથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકાય છે. પરંતુ આ હાઇવે વરસાદના કારણે બિસમાર બન્યો છે. રાજય અને કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, શાળાઓ સહિત ગટરો જેવી માળખાકીય સુવિધાઓ મળે તે માટે કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ અહીં રોડ રસ્તાના થતા કામો પ્રત્યે અધિકારીઓ દ્વારા ધ્યાન ન આપવાના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તાઓ પહેલા વરસાદે જ બિસમાર બની જતા હોય છે. ત્યારે સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે પણ આવીજ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે.
સાગબારા અને ડેડીયાપાડા વચ્ચે સાગબારા થી નીકળો ત્યાંથી આરટીઓ ચેકપોસ્ટ પાસે,અમિયાર ટાવલીફળી પાસે, માચ ચોકડી થી લઈને કણબીપીઠા ,ગંગાપુર થી લઈને કાકરપાડા ,કાલબી થી લઈને મેડિયાસાગ, રાલડા થી લઈને ઠેઠ ડેડીયાપાડા જલારામ બાપા મંદિર સુધી આખે આખો નેશનલ હાઇવે બિસમાર બન્યો છે. નાના મોટા વાહનોએ કયા થી અને કેવીરીતે વાહન હંકારવા તે કહેવું મુશ્કેલ છે. જો વરસાદ વરસી રહ્યો હોય અને આ ભયાનક ખાડાઓમાં પાણી ભરાય રહેલું હોય તો અજાણ્યા નાના વાહનોનો અકસ્માત સર્જાયો જ સમજો.સાગબારા ડેડીયાપાડા વચ્ચે ના હાઇવે ઉપર દરવર્ષે ખાડાઓની આવીજ સમસ્યાઓ સર્જાતી હોવા છતાં તેનો કાયમી ધોરણે ઉકેલ લાવવા અધિકારીઓને જાણે રસ જ નથી એમ રસ્તાની હાલત જોતા લાગી રહ્યું છે.
આ હાઇવે ઉપર રસ્તામાં ખાડાઓ છે કે ખાડામાં રસ્તો કહેવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડા થી સાગબારા સુધી એકવાર બસમાં મુસાફરી કરી આંટો મારે તેવી માંગ તાલુકવાસીઓમાં ઉઠી છે.કારણકે આ રસ્તા ઉપર થી પસાર થવું એ અનેક યાતનાઓ બરાબર છે. બાઇકો સહિત નાની કારો ના અધડે અધડા ટાયરો તેમાં જતા રહે તેટલી હદે ખાડોનું સામ્રાજ્ય ફેલાયું છે.આ બિસમાર બનેલા રસ્તાના કારણે અહીં થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..