ગુજરાત રાજભવનથી બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Share to*નર્મદા જિલ્લામાં આશરે ૧૬૦૦૦ થી વધુ લોકો-ખેડૂતમિત્રોએ ઇ-ગ્રામ સેન્ટર, શૈક્ષણિક સંકુલ ખાતેથી રાજ્યપાલશ્રીના જીવંત પ્રસારણને નિહાળીને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવ્યું*

*જિલ્લાનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે ટીમ નર્મદા કટિબદ્ધ :- આત્મા પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી ડી.કે.શિનોરા*


રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત રાજભવન ખાતેથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદનું સંબોધન કર્યું હતું. ત્યારે નર્મદા જિલ્લામાં રાજપીપલા ખેડૂત તાલીમ કેન્દ્ર સહિત જિલ્લાના પ્રત્યેક ઇ-સેન્ટર, શૈક્ષણિક સંકુલો, સીઆરસી, બીઆરસી, એફટીસી સહિત સોશિયલ મીડિયા પ્લેટ થકી આશરે ૧૬૦૦૦ થી વધુ લોકો-ખેડૂત મિત્રોએ રાજ્યપાલશ્રીના બાઈસેકના માધ્યમથી જીવંત પ્રસારણને નિહાળીને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, કૃત્રિમ ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગથી ધરતી માતા ખુબ ઝેરી બની છે. સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશનો પ્રત્યેક ખેડૂત સમૃદ્ધ અને ખુશહાલ બને તે માટે પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. આજે પ્રકૃતિના રક્ષણ માટે, જળ-જમીન, પર્યાવરણ સહિત લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો વૈકલ્પિક માર્ગ પ્રાકૃતિક કૃષિ છે.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને સમાજને એક સાચી દિશા આપવા માટે શિક્ષકો-ખેડૂતોની ભૂમિકા અતિમહત્વપૂર્ણ છે. ગાય આધારિત ખેતી જમીનને ફળદ્રુપ બનાવે છે, ઉત્પાદનમાં તો વધારો થશે જ સાથોસાથ લાગત પણ નહીવત છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળી રહે છે.

નર્મદા જિલ્લાના ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી કાર્યક્રમ નિહાળતા પ્રત્યેક ખેડૂતમિત્ર, ગ્રામજનો, શિક્ષકો, યુવાનોને જીવામૃત-ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિથી વાકેફ કરતા રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવાની સંપૂર્ણ સંભાવનાઓ સાકાર કરતી પોતાની પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’ નો અભ્યાસ કરીને અન્યને પણ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી.કે. શિનોરાએ પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ગામેગામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને અંગે તાલીમ આપીને પ્રાકૃતિક ખેતીના લાભ અંગે ખેડૂતમિત્રોને જાગૃત કરવા માટે ટીમ નર્મદા કામ કરી રહી છે.

આ પ્રસંગે ખેડૂત તાલીમ કેન્દ્ર રાજપીપલા ખાતેથી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી.કે.શિનોરા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદ પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી નીતિનકુમાર પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી-કર્મચારીઓ, ખેડૂતો, ટ્રેનરો અને શિક્ષકોએ રાજ્યપાલશ્રીના જીવંત પ્રસારણને નિહાળ્યું હતુ.

*રિપોર્ટર:સર્જન વસાવા, દેડીયાપાડા*


Share to