September 8, 2024

ઝઘડિયા પ્રાન્ત અધિકારીએ લાલ આંખ કરતા રાજપારડી નજીકથી ઓવરલોડ વાહનો ઝડપાયા

Share to



ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની જીએમડીસી ફાટક નજીકથી આજરોજ વાહન ચેકિંગ દરમિયાન ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિનાના વાહનો ઝડપાતા નિયમ ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે હાલમાં પ્રાન્ત અધિકારી તરીકે આઇએએસ અધિકારી કલ્પેશ શર્માની એક મહિના માટે નિમણુંક થતા તેમણે તાજેતરમાં ઝઘડિયા પ્રાન્ત કચેરી ખાતે પત્રકારોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે ઓવરલોડ અને અન્ય નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો સહિતના ઘણા સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી હતી. દરમિયાન આજરોજ આઇએએસ અધિકારી કલ્પેશ શર્માએ ઝઘડિયા મામલતદાર, સ્થાનિક પોલીસ,જિલ્લા ભુસ્તર વિભાગ તેમજ આરટીઓ ભરૂચ સાથે સંયુક્ત ડ્રાઇવ યોજીને નિયમભંગ કરતા વાહનો વિરુધ્ધ સપાટો બોલાવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે જાણવા મળ્યા મુજબ દસ ઉપરાંત વાહનો ઓવરલોડ જથ્થો ભરેલા, ત્રણ જેટલા વાહનો રોયલ્ટી ચોરી સાથેના આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ઝડપાયા હતા. વધુમાં મળતી વિગતો મુજબ નિયમભંગ બદલ ઝડપાયેલા આ વાહનો પ્રતિ શિક્ષાત્મક પગલા ભરાનાર હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકો વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ ધરાવતો તાલુકો હોઇ તાલુકામાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. જોકે ઝઘડિયા પ્રાન્ત અધિકારી તરીકે એક મહિનાની તાલિમ માટે મુકાયેલા આઇએએસ અધિકારી કલ્પેશ શર્માએ આજરોજ લાલ આંખ કરતા રાજપારડી ખાતેથી નિયમભંગ કરતા વાહનો ઝડપાયા હતા. બે દિવસ અગાઉ પ્રાન્ત અધિકારીએ સ્થાનિક પત્રકારો સાથે યોજેલ બેઠકમાં તાલુકામાંથી પગ કરી જતા સરકારી અનાજના જથ્થાની બાબત,મધ્યાહ્ન ભોજન,તાલુકામાં હાલ રહેલા બોગસ બીપીએલ રેશનકાર્ડ, ધોરીમાર્ગ સહિત અન્ય માર્ગો બનાવતી વખતે થતી ગેરરીતિઓ સહિતના વિવિધ મુદ્દા ચર્ચાયા હતા, ત્યારે હવે આ નવા નિમાયેલ અધિકારી હવે ક્યાં અને કેવા પગલા ભરે છે તેના પર સહુની નજર છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed