November 29, 2023

10 જુલાઈ 2022નો એ ગોઝારો દિવસ બોડેલી સહિત સમગ્ર વિસ્તાર ક્યારેય નહીં ભૂલી શકે!ઓરસંગ પુરે બોડેલીને ધમરોળી નાખ્યું હતું

Share to
બોડેલી સહિત વિસ્તારમાં ગત વર્ષે પુર આપત્તિ નોંતરનાર ઓરસંગ એકવેડકટનું ફાઉન્ડેશન શું ફરી વાર પ્રલય નહીં સર્જે ?

આ વિસ્તારના નાગરિકો હવે ફરી એક વખતે નર્મદા તંત્રના એના એ જ કોન્ટ્રાક્ટર એજન્સી પર કેવી રીતે ભરોસો કરે? તે સવાલ સામે આવ્યા છે.

એકવેડકટના દરેક પિયરકેપ ને ફરતે ગેબીયન વોલ બનાવી દેવાઇ હોત તો ઓરસંગના પુરને વહી જવા સરળ માર્ગ મળી જતો!

₹ 100 કરોડ ના ખર્ચે બનેલા એકવેડકટના ફાઉન્ડેશન ટ્રીટમેન્ટ માટે પહેલાં ₹ 29 કરોડ ખર્ચાયા, હવે બીજા ₹ 33 કરોડ! કોના બાપની દિવાળી?

બોડેલીમાં બનેલો નર્મદા મુખ્ય નહેરનો ઓરસંગ જળસેતુ તેના ફાઉન્ડેશનમાં ધોવાણને લીધે જોખમી બન્યો હતો.વિવિધ તબક્કે આ ફાઉન્ડેશન ટ્રીટમેન્ટનું કામ હાથ ધરાયુ છે.અત્યારે ફાઉન્ડેશન મજબૂતીકરણ વધારાના 33 કરોડ ₹ ના ખર્ચે હાથ ધરાઇ રહ્યું છે.આ એકવેડકટ ફાઉન્ડેશનનું ગત વર્ષે થયેલું બોગસ કામ બોડેલી સહિત પૂર્વ પટ્ટીમાં પૂરની સ્થિતિ સર્જવા કારણભૂત હતું.₹ 29 કરોડનો માતબર ખર્ચ તો પાણીમાં ગયો જ સાથે ડેમ જેવી રચનાએ બોડેલી વિસ્તારમાં ચોમેર તબાહી વેરી હતી.તા.10 જુલાઈ 2022નો એ ગોઝારો દિવસ બોડેલી સહિત સમગ્ર વિસ્તાર ક્યારેય નહીં ભૂલી શકે! હવે 4 – 5 દિવસમાં જ તે ઘટના ને એજ વર્ષ પુરૂં થશે ત્યારે તેમાંથી ધડો લઇ આપણે શું શીખ્યા? ફરી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કેટલી તૈયારીઓ આપણી છે, તંત્રની છે? તે અંગેની અહીં ચર્ચા કરી છે.
નર્મદા તંત્રના અધિકારીઓની અક્ષમ્ય અને ઘોર બેદરકારીના ભોગ અહીંની વસ્તી બની છે.10 જુલાઇ 2022નો દિવસ બોડેલી વિસ્તાર માટે પુર સાથે અનેક આફતો, મુસીબતો લાવ્યો હતો.કોઈ દિવસ શ્રાપિત કે ખરાબ નથી હોતો.પણ નર્મદા તંત્રની ભૂલોનો ભોગ આપણી વસ્તી અને વિસ્તાર બન્યો હતો.જે દિવસે જળ પ્રલય આવ્યો તે દિવસ બોડેલી માટે ગોઝારો હતો.એટલે જ બોડેલી વાસીઓ તેને ક્યારેય નહીં ભૂલી શકે!
ઓરસંગ એકવેડકટના ફાઉન્ડેશન ધોવાણ અંગે વારંવાર મીડિયામાં અહેવાલો પ્રકાશિત થવા છતાં તંત્ર એ મનમાની કરીને ખામી ભરેલું બાંધકામ માથે માર્યું હતું. એકવેડકટના ફાઉન્ડેશનનું જે બાંધકામ થયું હતું તેમાં જાગૃત પત્રકારો દ્વારા વખતો વખત રિયાલિટી ચેક કરીને બાંધકામ નબળું થતું હોવાનું ઉજાગર કર્યું હતું. તે અંગેના નિદર્શન માટે વિડીયો પણ જાહેર થયા હતા. જોકે અગમ્ય કારણોસર નર્મદા તંત્ર એ તેની સહેજ પણ નોંધ લીધી ન હતી કે દરકાર પણ રાખી નહતી. પરિણામે ડેમ જેવી એક રચના નદીની વચ્ચોવચ્ચ ફાઉન્ડેશનમાં ચણી દેવાઈ હતી. આ ફાઉન્ડેશન રીસ્ટોરેશનનું કામ બોડેલી સહિત સમગ્ર વિસ્તાર માટે આફત અને મુસીબતોનું કારણ બન્યું હતું. 10 જુલાઈ 2022 ના રોજ ટોટલ 22 ઇંચ વરસાદ પડ્યો હતો. ઓરસંગ નદી સર્વપ્રથમ વખત તે દિવસે બે કાંઠે વહી હતી. ફાઉન્ડેશનના નબળા બાંધકામ ને લીધે એક જ વરસાદમાં ગણતરીના કલાકોમાં આ બાંધકામ તૂટીને હુક્કો બોલી ગયું હતું એકવેડકટ ફાઉન્ડેશનના ખામી ભરેલા કામને લીધે માથા પર આ ઘાત આવી તે પ્રકારની વાતનો સ્વીકાર અહીંના લોક પ્રતિનિધિઓએ પણ જાહેરમાં કર્યો હતો. તે સાથે જ નર્મદા તંત્રની પોલ પણ રાજકીય આગેવાનોએ પોતાના નિવેદનો દ્વારા ખોલી નાખી હતી. આ બાંધકામ પાસે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. લોકોના માથે આફત મુસીબતોનું પોટલું નાખનાર નર્મદા તંત્રની આકરી આલોચનાઓ પણ કરી હતી. જોકે નફટ તંત્રના પેટનું પાણી પણ હાલ્યું ન હતું. આ બાંધકામ તૂટી પડતા તે પાછળ જવાબદારો સામે પગલા લેવાને બદલે ડિઝાઇનમાં ખામી હોવાની વાત આગળ મૂકી હતી.જો તંત્રે કહ્યું તેમ ડિઝાઇનમાં ખામી હતી તે વાત સાચી માની લઈએ તો ખામીવાળી ડિઝાઇન બનાવનાર એકેય અધિકારી કે કર્મચારી વિરુદ્ધ નર્મદા તંત્રે કે બાંધકામના જે તે વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અથવા તો પગલા લેવાયા હોય તો તેની કોઈ જાહેર માહિતી આપવામાં આવી નથી. જેથી આ વિસ્તારના નાગરિકો હવે ફરી એક વખતે નર્મદા તંત્રના એના એ જ કોન્ટ્રાક્ટર એજન્સી પર કેવી રીતે ભરોસો કરે? તે સવાલ સામે આવ્યા છે.
ગત ચોમાસામાં માનવસર્જિત ભૂલો ને કારણે બોડેલી સંપૂર્ણ જળબંબાકાર થઈ ગયું હતું. આ વિસ્તારના ખેતરોમાં રેતીનો પટ ભરાઈ ગયો હતો. અનેક ગરીબોના ઝુંપડા તણાઈ ગયા હતા. કેટલાય પરિવારો આર્થિક બેહાલીની ગર્તામાં ધકેલાઈ ગયા હતા. આજે પણ એ દિવસો યાદ આવે છે તો બોડેલી સહિત પૂર્વ પટ્ટીના લોકો શરીરે ભયની ધ્રુજારી અનુભવી જાય છે. ફક્ત એકલું બોડેલી જ નહીં ઓરસંગ નદીના કેચમેન્ટ એરિયામાં આવતી પેટા નદીઓ હેરણ, ઉચ્છ, ભરેડા સહિતની નદીઓ પણ આપત્તિ અને પુર નોતરી ગઈ હતી. જેની અસરે આજે પણ અનેક પરિવારો આર્થિક પાયમાલી અને બેહાલીની અવસ્થામાં જીવી રહ્યા છે. આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નર્મદા તંત્ર તકેદારી રાખે તે ખૂબ જરૂરી છે.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to