November 29, 2023

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત!

Share to



4 થી 5 નીલ ગાયનું ટોળું અચાનક રસ્તા પર દોડી આવ્યું

કુતરા પાછળ પડતા ભડકેલી એક નીલગાય સાંસદની કારને અથડાઇ

ગીતાબેન રાઠવા, પ્રદેશ યુવા મોરચા મુકેશભાઇ રાઠવા સહિત ચાર જણ હતા કારમાં સવાર

કાર ચલાવતા સાંસદના જમાઈએ ઘટના વખતની સમગ્ર હકીકતનું વર્ણન કરતા શું કહ્યું?



છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવાની કારને કવાટ રોડ ઉપર રંગલી ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. વન્ય પ્રાણી નીલ ગાય નું 4 થી 5 નું ટોળું અચાનક રસ્તા ઉપર ધસી આવ્યું હતું. સાંસદની કાર સાથે એક મહાકાય નીલ ગાય ટકરાઈ ગઈ હતી. જેને પગલે સાંસદની ઇનોવા કારના ફ્રન્ટ ભાગને ભારે નુકસાન સર્જાયું હતું. સદનસીબે સાંસદ ગીતાબેન રાઠવા સહિત કારમાં સવાર ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
આજે બપોરે કવાટથી હાલોલ ખાતે ભાજપના એક કાર્યક્રમમાં જવા માટે નીકળેલા સંસદ સભ્ય ગીતાબેન રાઠવા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, ફોટોગ્રાફર જીતેશભાઈ રાઠવા, ગીતાબેનના જમાઈ સંજયભાઈ રાઠવા ઇનોવા કાર લઈ નીકળ્યા હતા. તે દરમિયાન મોડાસર કવાટ રોડ ઉપર કાલારાણી ગામ નજીક રંગલી ચોકડી પાસે કવાટ થી બોડેલી ની દિશામાં જઈ રહેલી સંસદ સભ્યની ઇનોવા કાર નિયમિત ગતિથી ચાલતી હતી. દરમિયાન ગીતાબેનના જમાઈ સંજયભાઈ રાઠવા કાર ચલાવતા હતા.
સંજયભાઈ રાઠવાએ બોડેલી લાઈવ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી કાર જ્યારે આ સ્થળેથી નીકળી ત્યારે નીલગાય નું લગભગ ચાર થી પાંચ નું ટોળું અચાનક જ ખેતરમાર્ગે થી દોડતું દોડતું રોડ પર આવી રહ્યાનું અમે જોયું હતું. નીલગાય આવતી જોઈ અને કારની સ્પીડ એકદમ ઘટાડી દીધી હતી. જોકે નીલગાયની પાછળ કેટલાક કુતરા પડેલા હતા. જેથી કુતરા શિકાર ન કરી જાય તે માટે જીવ બચાવીને નાસેલા વન્ય પ્રાણીઓ અત્યંત તીવ્ર ગતિથી ખેતર માર્ગેથી રોડ ઉપર ધસી રહ્યા હતા. કારની ગતિ ધીમી પાડવા છતાં એક કદાવર નીલગાય કાર સાથે અથડાઈ ગઇ હતી. જેને લીધે કારનો ફ્રન્ટ ભાગ ખાસો નુકસાન પામ્યો હતો. જોકે કારની ગતિ ધીમી હતી જેને લીધે કારમાં બેઠેલા તમામ કોઈપણ પ્રકારનો આંચકો પણ અનુભવ્યા ન હતા. આ અકસ્માતમાં સાંસદ ગીતાબેન રાઠવા, મુકેશ ભાઈ રાઠવા સહિત ચારે જણનો આબાદ બચાવ થયો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to