હાઈલાઈટ
40 કરોડ નું વાર્ષિક બજેટ છતાં રાજપીપળા નગર પાલિકા પાસે વધારાનું રાષ્ટ્રધ્વજ ખરીદવા નાણાં નો અભાવ?
ઈકરામ મલેક:નર્મદા
તમામ રાજ્કીય પક્ષો પોતાના ફાયદા માટે અવનવી રીતે પોતાની રાજકીય રેલી અને સભાઓ મા દેશ ના તિરંગાનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, પણ જ્યારે તિરંગા ના અપમાન ની ઘટના બને ત્યારે મીડિયા મા ન્યુઝ આવ્યા બાદ ઘટના જાહેર થયા બાદ પણ અજાણ અને મુકપ્રેક્ષક બની જતા હોય છે.
તાજેતરમાં ફરી એકવાર રાજપીપળા ના વિજય ચોક કાળાઘોડા સર્કલ ની અંદર ઉભા કરવામાં આવેલા હાઈ માસ્ટ ટાવર ઉપર ફરકી રહેલા તિરંગા નો એક ભાગ ફાટીને ફરકી રહ્યા હોવાની ઘટના અંગે દુરદર્શી ન્યુઝ દ્વારા સમાચારો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ત્યારે ત્રણ દિવસ બાદ તંત્ર ને ભાન થતા એ ફાટેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો, પરંતુ એના બદલા મા બીજો રાષ્ટ્રધ્વજ ચડાવવા મા આવ્યો નથી.
જેમ રાષ્ટ્રધ્વજ ફાટી જવો એ અપમાન છે, તો એકવાર ધ્વજ ફરકાવ્યા બાદ ઉતારી લઈ ધ્વજ દંડ (જે થાંભલા ઉપર ધ્વજ ફરકતો હોય ) ને ખાલી રાખવું એ પણ અપમાન જ છે. પરંતુ સ્થાનિક નગરપાલિકા ના સત્તાધીશો ને કદાચ એની જાણકારી નહિ હોય, આ અગાઉ પણ આજ પ્રકાર ની ધ્વજ ફાટી જવાની ઘટના ગત વર્ષે બની હતી અને ત્યારે પણ મીડિયા મા સમાચારો પ્રકાશિત થયા બાદ પાલિકા તંત્ર એ આળસ મરડી હતી, ત્યારે આ વર્ષે ફરી એકવાર ધ્વજ અપમાન ની ઘટના બની છે.
40 કરોડ નું વાર્ષિક બજેટ ધરાવતી રાજપીપળા નગરપાલિકા પાસે એક્સ્ટ્રા રાષ્ટ્રધ્વજ ખરીદવાના પણ પૈસા નથી?? કે આમ ફાટેલો ધ્વજ ઉતારી લીધા પછી ધ્વજ દંડને રેઢો મૂકી દઈ અપમાન મા વધારો કરી રહ્યા છે. નગર ના કાછીયાવાડ ના દેશપ્રેમી યુવક કુલદીપ કાછીયા પટેલ દ્વારા આ મુદ્દે ગત વર્ષે પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને રજુઆત કરાઈ હતી, અને આ વર્ષે પણ ફરી ધ્વજ નું અપમાન થતા મુખ્યમંત્રી ને ઓનલાઈન ફરિયાદ કરાઈ છે, પણ માત્ર ઓનલાઈન પ્રત્યુત્તર સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી.
