મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે નર્મદા જિલ્લાના અંદાજે રૂા.૨૬.૧૪ કરોડથી વધુની રકમના કુલ ૩૭૩ જેટલા વિવિધ વિકાસ કામોનું કરાયેલું ઈ- ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ
રાજપીપલા સ્થિત શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” નો યોજાયેલો કાર્યક્રમ
રાજપીપલા,શુક્રવાર :- ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણા દાયક નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારશ્રીના પૂર્ણ થયેલા એક વર્ષના વિકાસની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને રાજપીપલા સ્થિત શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ શાળા ખાતે યોજાયેલા “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમને દિપપ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો.
મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારોએ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” મારફતે કરોડો રૂપિયાના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તના કાર્યક્રમો સંપન્ન થઈ રહ્યા છે. “આપણું ગુજરાત આગવું ગુજરાત” થી શરૂ થયેલી આ સફર સૌનો સાથ સૌનો વિકાસની શૃંખલામાં આગળ વધતા સમગ્ર ગુજરાતમાં સરકારે સૌના પ્રયાસથી સૌનો વિશ્વાસ સંપાદન કર્યો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે છેવાડાના ગરીબ માણસો પણ આગળ વધે અને રોજીરોટી પ્રાપ્ત કરે, તેનું કુટુંબ સમૃદ્ધ થાય તેવા પ્રયાસો ગુજરાત સરકારે કર્યા છે. સૌનો સાથ સૌનો વિકાસના કારણે ગરીબોની જિંદગી બદલવા ગામે ગામ જઈને દીકરા-દીકરીને ભણાવવાનું વચન સરકારશ્રીએ આપ્યું અને તે વચન પાળ્યું છે. શાળા પ્રવેશોત્સવથી શિક્ષણમાં આમુલ ફેરફારો આવ્યા છે. માત્ર એટલું જ નહીં પણ ભારતની કલા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિ ઉજાગર થાય તે પ્રમાણે કેન્દ્ર સરકારે શિક્ષણ નીતિ-૨૦૨૦ બનાવી છે.
મંત્રીશ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઈમ્પેક્ટ ફીના કાયદામાં સુધારો કર્યો. જેનાથી નાના અને મધ્યમ વર્ગના લોકોને પણ ફાયદો થયો. લોકોની જે નાની મોટી સમસ્યાઓ હતી તે આ કાયદામાં કરેલા ફેરફારથી અનિયમિતતાઓને નિયમિત કરવાનું કામ ગુજરાત સરકારે કરી બતાવ્યું છે. જેનાથી સામાન્ય નાગરિકોને કાયદાનું રક્ષણ મળવાનું છે. માત્ર એટલું જ નહીં પણ ગુજરાતના નગરોને ભિક્ષુકમુક્ત બનાવવા માટેની યોજનાઓ સરકારે બનાવી છે. રાજપીપલાની જ વાત કરીએ તો નગરમાંથી અત્યારસુધી ૧૫૬ જેટલા ભિક્ષુકોને જરૂરી સુવિધા પુરી પાડવા વિવિધ તાલીમો આપી રોજીરોટી આપવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે. નર્મદા જિલ્લામાં નોંધારાનો આધાર યોજના અંતર્ગત અનેક લોકોએ આ કાર્ય કર્યું છે.
વધુમાં તેઓએ કહ્યું કે, નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરની ભેટ મળતાં આખું વિશ્વ આ પ્રવાસન સ્થળ તરફ આકર્ષાઈ રહ્યું છે. તેની આજુબાજુના તમામ પ્રોજેક્ટમાં સ્થાનિકોને નોકરીની તકો મળતા ઘર આંગણે રોજગારી મેળવતા થયા છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા સુધીના જંગલ વિસ્તારોમાં એડવેન્ચર ટુરીઝમનો લાભ પ્રવાસીઓને મળે તે માટે આ બંને સ્થળોને જોડતો કોરીડોર બનવા જઈ રહ્યો છે. જેનું પણ ગઈકાલે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેનાથી ભવિષ્યમાં એડવેન્ચરનો આનંદ માણવા પ્રવાસીઓ સરળતાથી આવી શકશે. ગુજરાત સરકારે પ્રત્યેક ગરીબ વ્યક્તિના ઘરે અજવાળું પ્રગટાવી વિકાસના માધ્યમથી સમૃદ્ધિ લાવવાનું કામ કર્યું છે. તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યાભાઈ પટેલે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
“વિશ્વાસથી વિકાસયાત્રા”ના જિલ્લા કક્ષાના કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે અંદાજે રૂા.૨૪.૭૩ કરોડથી વધુના ખર્ચે થનારા ૧૭૨ જેટલા વિવિધ વિકાસ કોમોનું ઈ-ખાતમુહૂર્ત અને અંદાજે રૂા.૧.૪૧ કરોડથી વધુની રકમના ખર્ચે તૈયાર થયેલા ૨૦૧ જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યમ સિંચાઇ યોજના રૂા.૯.૮૫ કરોડનાં કામનું ઈ-ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના રૂા.૧૧.૫૫ કરોડના ૧૧ કામોનું ઈ-ખાતમુહૂર્ત, સામાન્ય વહીવટ વિભાગ (આયોજન)ના રૂા. ૦.૯૧ કરોડના ૪૭ કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા રૂા.૦.૫૫ કરોડના ૨૮ કામોનું ઈ-લોકાર્પણ, પંચાયત વિભાગ (વિકાસ કમિશનર) ના રૂા.૦.૦૫ કરોડના ૩ કામોનું ઈ-ખાતમુહુર્ત અને રૂા.૦.૫૩ કરોડના ૨૩ કામોનું ઈ-લોકાર્પણ, આદિજાતિ વિકાસ વિભાગના રૂા.૨.૩૭ કરોડના ૧૧૦ કામોનું ઈ-ખાતમુહુર્ત, ગ્રામ વિકાસ વિભાગના રૂા.૦.૩૩ કરોડના ૧૫૦ કામોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના સાયન્સસિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના કાર્યક્રમનું કરાયેલું જીવંત પ્રસારણ રાજપીપલાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સહભાગી સૌએ નિહાળ્યું હતું.
ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ફેકટરી અને ભરૂચ દૂધધારા ડેરીની ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રોહિદાસ વસાવા, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, પ્રાયોજના વહિવટદારશ્રી પંકજ ઔંધિયા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, સ્થાનિક અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી અને વિક્રમભાઈ તડવી સહિત પદાધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના અમલીકરણ અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમના અંતે નાંદોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કમલેશભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,