September 7, 2024

જૂનાગઢ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેશોદમાં રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભ જિલ્લામાં ૫.૭૪ લાખ લોકોને આયુષ્માન કાર્ડની સેવાઓ હેઠળ આવરી લેવાયા

Share to





છેલ્લા દસ વર્ષમાં જિલ્લાના ૧.૫૨ લાખ લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ રૂ.૨૯૦ કરોડની આરોગ્ય સહાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી રાજ્યના ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણનો ઈ – પ્રારંભ કરાવ્યો ડબલ* એન્જિનની સરકારે લોકોના સપના સાકાર કર્યા છેરાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ

જૂનાગઢ તા.૧૦ ઓકટોબર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેશોદમાં રાજ્યના પશુપાલન અને સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં ૫.૭૪ લાખ લોકોને આયુષ્માન કાર્ડની સેવાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લાના ૧.૫૨ લાખ લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ ગંભીર બીમારી વખતે છેલ્લા દસ વર્ષમાં રૂ.૨૯૦ કરોડની આરોગ્ય સહાય ચૂકવવામાં આવી છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતેથી રાજ્યના ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણનો ઈ – પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત આ સમરોહમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.
કેશોદમાં આંબાવાડી ખાતેની પટેલ સમાજની વાડીમાં યોજાયેલ આ સમારોહમાં રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી આ ડબલ એન્જિનની સરકારે લોકોના સપનાઓ સાકાર કર્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવતા આયુષ્માન કાર્ડથી લોકોને આરોગ્ય કવચ મળ્યું છે. જેથી ગંભીર બીમારીઓ વખતે ખર્ચની ચિંતા પણ ટળી ગઈ છે.
કેશોદ તાલુકામાં પણ આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરવામાં આવી છે, ડાયાલિસિસ માટે અધ્યતન મશીન, કેન્દ્રમાં લોહીના નમુનાની તપાસ માટેના મશીનો – સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેશોદમાં ૭૫ બેડની અદ્યતન હોસ્પિટલથી લોકોને ખૂબ મોટી આરોગ્યની સેવા મળી રહી છે. આ અહીંયા અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થતા લોકોને હવે જૂનાગઢ રાજકોટ સુધી લાંબુ થવું પડતું નથી. અંતમાં મંત્રીશ્રીએ આરોગ્ય સુવિધા માટે જરૂરી સહાય અનુદાન આપવા માટેની પણ તૈયારી દર્શાવી હતી.
આ પ્રસંગે કેશોદના પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું કે, ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીઓના સમયમાં રૂ.૫ લાખની સહાય તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રીની આ યોજનાથી હવે લોકોને નાણાંના અભાવે પોતાના સ્વજનો ગુમાવવા પડતા નથી. તેમ જણાવતા તેમણે કેન્દ્ર રાજ્ય સરકારની સાથે રહેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ વંદનાબેન મકવાણા,કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી મોહનભાઈ બુટાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી દેવાભાઈ ખાંભલા, અગ્રણી સર્વશ્રી અશ્વિનભાઈ કુંભાણી, પરબતભાઈ પિઠીયા, પ્રવીણભાઈ ભાલાળા સહિતના મહાનુભાવો અને આયુષ્માન કાર્ડ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત RCHO ડો. મનોજભાઈ સુતરીયા અને આભારવિધિ CDHO ડો. સંજય કુમારે કરી હતી.

મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed