ગરૂડેશ્વર ખાતે નિર્માણાધિન ટ્રાયબલ મ્યુઝિયમ અને નાંદોદના જીતનગર ખાતે નિર્માણ પામી રહેલી ટ્રાયબલ યુનિવર્સિટીના પરિસરની મુલાકાત કરી ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી
રાજપીપલા,સોમવાર :- કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સોમવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે નિર્માણ પામેલાં કમ્યુનિટી હોલની મુલાકાત સાથે સ્થળ ઉપર સ્થાનિક આગેવાનો અને ગામલોકો સાથે સંવાદ કર્યો હતો. આ તબક્કે મંત્રીશ્રીએ સૌ પહેલા સ્થાનિકોની અભિવ્યક્તિ સાંભળી બાદમાં પોતાના વિચારો લોકો સમક્ષ પ્રસ્તૂત કર્યા હતાં.
ગરૂડેશ્વર તાલુકાના ડેકાઇ અને તેની આસપાસના ગામોના ઉપસ્થિત આદિવાસી આગેવાનો અને નાગરિકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, અહીં આવીને મને ખૂબ ખુશી થઇ છે, ગુજરાત સરકાર લોકો માટે ખૂબ સારાં કાર્યો કરી રહી છે અને હજી પણ વધુ કાર્યો કરવાની છે. ત્યારે આપણે સૌ સાથે મળીને રાજ્ય અને દેશને સમૃધ્ધિના પંથે લઇ જવા માટે કાર્યશીલ થઇએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી સરકાર આદિવાસી સમાજ માટે સંવૈધાનિક પ્રતિબધ્ધતા સાથે સર્વાંગી વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ લાગુ કરી સમાજના ઉત્થાન માટે સતત કાર્યો કરી રહી છે. આદિવાસી વિસ્તારો પાસે જમીની વિસ્તાર ખૂબ મોટો છે પરંતુ વધુ અંતરમાં વસવાટ કરતાં હોવાથી વસ્તી ઓછી છે છતાં કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ પોતાની રીતે જીવન જીવે છે તેજ તેમની સાચી ખુમારી છે તેમ કહી મંત્રીશ્રીએ આદિવાસી સમાજને બિરદાવ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થઇ રહેલા દેશના વિકાસની વિશ્વભરમાં શાખ વધી છે કેન્દ્ર સરકાર રચનાત્મક પહેલ સાથે વિકાસની ગતિમાં આગળ વધી રહી છે. દેશને સૌથી વધુ સંસાધનો ઉપલબ્ધ કરાવનારા પણ આદિવાસીઓ જ છે. વળી આદિવાસી સમાજમાંથી દેશના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ જેવું વ્યક્તિત્વ મળવું આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે. વધુમાં એકતાનગર ખાતે નિર્માણ પામેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી નર્મદા જિલ્લાની નામના વિશ્વભરમાં અંકિત કરાઇ છે. ત્યારે વિકાસની સાથે કેટલાંક લોકોના પ્રશ્નો પણ રહેતા હોય છે પરંતુ તેની યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે રજૂઆત કરવામાં આવે તો તેનો ચોક્કસ પણે સરકાર દ્વારા નિકાલ કરવામાં આવતો હોય છે. જેમ જળ વિના જીવન શક્ય નથી તેમ નદીઓ પહાડોમાંથી નીકળે છે ત્યારે મોટાભાગે પહાડી વિસ્તારમાં આદિવાસી સમાજ વસવાટ કરતો હોય સરકારની વિકાસયાત્રામાં સહભાગી બની દેશને ઉન્નત શિખર સુધી લઇ જવામાં સહભાગી બનવું જોઇએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ડેકાઇ ગામ બાદ મંત્રીશ્રી અર્જુન મુંડાએ ગરૂડેશ્વરમાં નિર્માણાધિન ટ્રાયબલ મ્યુઝિયમનું સ્થળ નિરિક્ષણ કરી સ્થાનિક અધિકારીશ્રીઓ પાસેથી આનુસંગિક વિગતો મેળવી હતી. વચ્ચે એકતાનગર ખાતે એસ.આર.પી. ના જવાનોને આર્ચરીની તાલીમ લેતા જોઇ મંત્રીશ્રીએ પોતાનો કાફલો રોકાવી આર્ચરીની તાલીમ લઇ રહેલા જવાનો સાથે સંવાદ કરી પોતે પણ આર્ચરી પર હાથ અજમાવ્યો હતો. ત્યારબાદ ગરૂડેશ્વરના ટ્રાયબલ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન અહીં ભવિષ્યમાં થનારા પ્રદર્શનમાં કેવા પ્રકારના સ્કલ્પચર કે પ્રદર્શની દર્શાવી શકાય તે અંગેના પોતાના જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
દેશમાં સૌ પ્રથમ બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી પણ નર્મદા જિલ્લાને મળી છે ત્યારે કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ યુનિવર્સિટીના જીતનગર ખાતે નિર્માણાધિન નવીન પરિસરની મુલાકાત કરી કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. આ તબક્કે બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. મધુકર પાડવી અને કુલસચિવશ્રી ડૉ.વિજયસિંહ વાળાએ સમગ્ર યુનિવર્સિટીના પરિસરની માહિતી પુરી પાડવા સાથે સમગ્ર પરિસરનું મોડલ દર્શાવી દેશની અન્ય યુનિવર્સિટીઓ કરતા આ યુનિવર્સિટી કેવી રીતે જુદી પડે છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને આદિવાસી કલાને સાંકળીને પણ ભાષા અને સંસ્કૃતિ બચાવવાના પ્રયાસ સાથે રોજગારીના માધ્યમો અને તેના વિકલ્પો ઉભા કરવા સાથે આદિવાસી બાળકોને મુખ્ય પ્રવાહ સાથે લાવવાના અભ્યાસક્રમ અંગેની ઝીણવટભરી માહિતી મંત્રીશ્રીને પુરી પાડી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડાએ નર્મદા બંધના વ્યુ-પોઇન્ટ સાથે ભૂગર્ભ જળ વિદ્યુત મથકની મુલાકાત લઇ અત્યંત ખુશી વ્યક્ત કરી એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ સાથે અન્ય પ્રોજેક્ટ વિશ્વભરના પર્યટકો માટે ખરેખર આકર્ષણો ઉભા કરે તેવા છે. એક જ સ્થળે જોવા, જાણવા અને માણવાના સ્થળોએ વિશ્વભરમાં એકતાનગરનું સ્થાન પ્રવાસ સ્થળ તરીકે અંકિત કર્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ટ્રાઇફેડના ચેરમેનશ્રી રામસિંગભાઈ રાઠવા, ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના સચિવશ્રી મુરલી ક્રિષ્ના, ગુજરાતના પૂર્વ આદિજાતિ અને વનમંત્રીશ્રી શબ્દશરણ તડવી, નર્મદા જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી પંકજ ઔંધિયા, નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ અધિકારીશ્રી (આશ્રમ શાળા) એચ.એલ.ગામીત, સ્થાનિક અગ્રણીશ્રી વિક્રમભાઇ તડવી, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ પણ સાથે જોડાયા હતા.
More Stories
*અબડાસા તાલુકાના નલિયા થી ૮ કિલોમીટર ની અંતરે આવેલ મુઠીયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવ ની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા