


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૧૦ કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા ૨૧ હજાર કરોડથી વધુની ૧૧મા હપ્તાની રકમ વડાપ્રધાનના હસ્તે ઈ-ટ્રાન્સફર કરવામાં આવી.
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી નિમિષાબેન સુથાર (મંત્રીશ્રી, આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તબીબી શિક્ષણ)ની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સાથે સીધા સંવાદ કાર્યક્રમ સહિત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ સંમેલનનું મંગળવારે સવારે સ્વામીનારાયણ સત્સંગ હોલ, ઘેલવાંટ, છોટાઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂા. ૨૧ હજાર કરોડથી વધુની રકમ ઇ-ટ્રાન્સ્ફર કરી હતી.
કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી મલ્કાબેન પટેલ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, માજી ધારાસભ્યશ્રી શંકરભાઇ રાઠવા, પૂર્વ સંસદીય સચિવશ્રી જયંતીભાઇ રાઠવા, જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, ગુજરાત આદિજાતિ વિકાસ બોર્ડના ડિરેક્ટરશ્રી જશુભાઈ રાઠવા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યશ્રી મુકેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અન્ય પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાજનોએ ઉપસ્થિત રહીને વડાપ્રધાનશ્રી અને મંત્રીશ્રીની સાથે સીધા સંવાદ અને કેન્દ્ર સરકારના આઠ વર્ષની પુર્ણાહુતી ટાણે તેઓના રાષ્ટ્ર જોગ શુભેચ્છા સંદેશ માણ્યો હતો.
વિશાળ જનમેદનીને સંબોધતા પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા યશસ્વી વડાપ્રધાને પ્રજાલક્ષી, કલ્યાણકારી અને લોકહિતના જે કામો કર્યા છે તેને આઠ વર્ષ પૂર્ણ થયા છે જે અંગે આજે વડાપ્રધાન હિમાચલપ્રદેશના સિમલાથી દરેક રાજ્યના દરેક જિલ્લામાં વર્ચ્યુઅલ સંવાદ કરવાના છે. પ્રથમ વાર જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાને સોગંદવિધિ વખતે જે વચનો સમગ્ર રાષ્ટ્રને આપ્યા હતા તે બધા જ વચનો તેઓએ પૂર્ણ કર્યા છે. જે કામોનું ખાતમુહૂર્ત સરકારે કર્યું હતું તે બધા જ કામોનું આ સરકારે જ લોકાર્પણ પણ કર્યું છે. અંબાજીથી ઉમરગામની જે પૂર્વપટ્ટી છે ત્યાં આદિવાસી ભાઇઓ પહેલા કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા હતા તેઓના મકાનો પહેલાં કરતાં સારા કર્યા છે. સૌને પાકા મકાન આપવાનું યશસ્વી વડાપ્રધાન સાહેબનું સેવેલું સ્વપ્ન માનનીય ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર પૂર્ણ કરી રહી છે. ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર વિકાસના શિખરો સર કરવા તરફ ઝડપી ગતિ સાથે આગળ વધી રહી છે. આપણા માનનીય વડાપ્રધાને બહેનોની દરકાર કરીને બહેનોના આરોગ્યના હિત માટે બહેનોના નામ પર જ ગેસ કનેક્શન આપવા માટે ઉજજ્વલા યોજનાનું આયોજન કરીને દેશની કરોડો મહિલાઓના જીવનમાં નવું પ્રભાત સર્જ્યું છે. બાળકો અને મહિલાઓને પોષણ માટે વહીવટી તંત્રની સાથે જનતા જનાર્દનને પણ સાથે જોડીને પોષણ અભિયાન થકી સમગ્ર દેશને સુપોષિત કરવાનું ભગીરથ કામ કર્યું છે, કોરોના કાળ દરમિયાન દેશના બધા જ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. સ્વદેશી રસી થકી આપણા દેશ સહિત વિશ્વભરમાં મફત રસી વિતરણ કરીને વૈશ્વિક કક્ષાએ દેશની નામના વધારી છે. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સેવાઓ સરળ અને સુલભ બનાવી છે. આત્મનિર્ભર ભારત જેવી મોટી યોજનાઓ સહિત એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ, સ્વચ્છ ભારત મિશન, માતૃવંદના, પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, જ્યોતિગ્રામ યોજના, સોલાર રૂફ ટોપ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, જનધનખાતા, મુદ્રા યોજના, એસ.ટી. બસની અંતરિયાળ વિસ્તારમાં સુવિધા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા દેશના નાગરિકોના જીવનમાં નવું અજવાળું પાથરવા સાથે એક આશાનું કિરણ ઉભું કર્યું છે. આ ઉપરાંત આધુનિક શિક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે ૨૫ જેટલી બિરસા મુંડા રેસીડેન્સી સ્કૂલનું આયોજન કરીને આદિવાસી વિસ્તારના પચાસ હજાર બાળકોને પ્રવેશની સુવિધા આપવામાં આવશે. ૫૦૦ કરોડથી વધારે રકમના ખર્ચે નેટવર્ક સુવિધા દ્વારા અંતરિયાળ વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિ ના ફળ પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.ડાયાલિસિસ સેન્ટરમાં નિશુલ્ક ડાયાલીસીસ થાય તે માટે ગુજરાત વન ડાયાલીસીસ સેન્ટરનું પણ રાજ્યની સરકાર આયોજન કરવામાં આવ્યું છે લોકો બહાર રોજગારી માટે ન જાય એ માટે અંતરિયાળ વિસ્તારના જિલ્લાઓમાં પણ જીઆઇડીસીનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે. સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આણવા સારું વિકાસ કામોની સરવાણી વહાવી મોદી સાહેબના સ્વપ્નને પૂર્ણ કરવા માટે રાજ્યની સરકાર કટિબદ્ધ રીતે આગળ વધી રહી છે.
સંમેલનને સંબોધતા સાંસદ સુશ્રી ગીતાબેન રાઠવાએ જણાવ્યું કે, અનેક કલ્યાણકારી યોજનાઓનો છેક અંતરિયાળ વિસ્તાર સુધી લાભ આપનારા એવા આપણા યશસ્વી વડાપ્રધાન જ્યારે એમનાં સુશાસનના આઠ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તો તેઓને આપણે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ. આ આઠ વર્ષના શાસનમાં વડાપ્રધાને અનેક ઐતિહાસિક નિર્ણય પણ લીધા છે જેમ કે, તેમણે ૩૭૦ ની કલમ હટાવીને કાશ્મીરને એક કર્યું. રામ મંદિરના મુદ્દાનો પણ તેઓ ઉકેલ લાવ્યા. આપણા વડાપ્રધાન હંમેશા આપણી ચિંતા સાથે છેવાડાનાં અને અંતરિયાળ ગામડાંના ખેડૂતો અને સામાન્ય માનવીઓની દરકાર લીધી છે. વૃદ્ધ હોય કે વિધવા, મહિલાઓ હોય કે બાળકો, વિદ્યાર્થીઓ હોય કે યુવાઓ સૌના માટે અનેક યોજનાઓ જેમ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજજ્વલા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, રસીનું મફત વિતરણ અને આરોગ્ય સુવિધાઓ સહિત અનેક યોજનાઓ નો આપણને લાભ આપ્યો છે. રશિયા યૂક્રેન યુદ્ધ દરમિયાન આપણા વિદ્યાર્થીઓને તિરંગા ઝંડા સાથે માનભેર વતન પરત લાવી અને સમગ્ર વિશ્વમાં આપણા દેશની નામના વધારી છે એમ વધુમાં જણાવ્યું હતું.
આ સંમેલનમાં પુનર્જન્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ, પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક રીમોટ ડોક્ટર ક્લિનિક મેડિકલ કીઓસ્કનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે જિલ્લાના ખટાશ પીએચસીમાં ચાલુ કરવામાં આવશે.
મંત્રી નિમિષાબેન સુથારે સંમેલનમાં હાજર વિવિધ યોજનાઓના લાભાર્થીઓ જેમાં, પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનામાં ધર્મજ ગામના છોટુભાઈ રાઠવા સાથે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સિમલફળીયાના નગીનભાઈ રાઠવા સાથે, પીએમ ઉજ્વલા યોજનામાં ભીલપુરના ધર્મિષ્ઠાબેન રાઠવા સાથે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં છોટાઉદેપુરના ઓમકારભાઇ સાથે અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)માં છોટાઉદેપુરના ગુલામ મુસ્તફાભાઈ મકરાણી સાથે સીધો સંવાદ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન હિમાચલપ્રદેશના શિમલા ખાતેથી પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌ પ્રજાજનોએ નિહાળ્યુ હતું. જેમાં પ્રધાનમંત્રીએ દેશના જુદા જુદા રાજ્યોના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.
——૦——
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા