(ડી.એન.એસ)ભાવનગર,તા.૨૪
કોરોનાના કપરા સમયમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બે વર્ષ દરમિયાન કરેલી ખરીદીનું કોકડું ઉકેલાયું નથી ત્યાં ચાલુ વર્ષ ૨૦૨૨ ની દવા અને અન્ય મેડિકલ આઇટમોની ખરીદમાં ગડબડ ગોટાળા બહાર આવ્યા છે.આ વર્ષે કોરોનાનો કહેર શાંત હતો પરંતુ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દવાની આવશ્યકતા ઉભી થતાં આરોગ્ય વિભાગ દ્વારા કમિશનરની જી.પી.એમ.સી.એક્ટ ૬૭/૩/સી હેઠળ મંજૂરી મેળવી જાન્યુઆરી ૨૦૨૨માં દવા, ગ્લોઝ, માસ્ક સહિતની ચીજવસ્તુઓ રૂ.૧૪,૦૬,૯૩૦ના ખર્ચે સ્થાનિક મેડિકલ સ્ટોરમાંથી ખરીદ કર્યા હતાં. પરંતુ કમિશનરે ૬૭/૩/સી હેઠળ મંજૂરી આપી હોવાથી સક્ષમ સત્તાની મંજૂરી વગર બીલ મંજુર થઈ શકે નહીં. જેથી સ્ટેન્ડીંગ કમિટીમાં બહાલી માટે આવતા જ ખરીદીના જુદા જુદા બીલો અને જરૂરીયાત વગરની ખરીદીનું ધ્યાનમાં આવતા શંકાના આધારે સ્ટેન્ડીંગ ચેરમેને ઓડિટ વિભાગને તપાસની સુચના આપી હતી. અંતે ચિફ ઓડિટર અલ્કેશ પટેલ અને સ્ટાફ દ્વારા ભાવનગરની જુદી જુદી મેડિકલ સ્ટોર તેમજ સર્જીકલ ચીજવસ્તુઓના વિક્રેતાઓ પાસેથી આરોગ્ય વિભાગે ખરીદેલી ચીજવસ્તુઓ અને દવાના જીએસટી સાથેના ખર્ચના આકડા મંગાવતા શંકાની સોય વધુ મજબુત થઈ હતી. અને આરોગ્ય વિભાગ દ્વારા જે દવા અને મેડિકલ વસ્તુઓ ખરીદ કરી હતી તે જ આઇટમોના ભાવ વચ્ચે રૂ.૨,૫૧,૬૯૨નો તફાવત બહાર આવ્યો હતો. એટલે કે, સ્થાનિક કક્ષાએ જ ખરીદેલી આઇટમમાં ૧૮% જેટલી વધુ રકમ કોર્પોરેશનની જતી હતી. જે સંદર્ભે ઓડિટ વિભાગ દ્વારા કમિશનરને તપાસ કરી કાર્યવાહી કરવા લેખિતમાં જણાવાયું છે. ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએથી ખરીદેલી દવા તેમજ માસ્ક સહિતની અન્ય સર્જીકલ વસ્તુઓમાં ઓડિટ વિભાગ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે જેની આરોગ્ય અધિકારી પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે. કોર્પો.ના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની આડમાં ખરીદી કરેલી દવાઓ સહિતના ગત બે વર્ષના તો હિસાબોના તાળા મળતા નથી ત્યાં આ વર્ષે તાત્કાલિક જરૂરીયાત ઉભી કરી કમિશનર પાસેથી મંજૂરી મેળવી સ્થાનિક કક્ષાએ દવા અને મેડિકલ ચીજવસ્તુઓની રૂ.૧૪ લાખની કરેલી ખરીદીમાં પણ રૂ. ૨.૫૧ લાખનો તફાવત આવતા તપાસના આદેશ થયા છે. આરોગ્ય વિભાગના એક પછી એક ગોટાળા બહાર આવતા તંત્રનું પણ આરોગ્ય કથળ્યું છે.