નર્મદા જિલ્લામાં : નીતિ આયોગની એમપાવર કમિટી દ્વારા રૂા.૩.૦૦ કરોડનું એવોર્ડ ફંડ ફાળવીને વધુ ૫ (પાંચ) પ્રોજેક્ટસને મંજુર કરાયાંપ્રોજેક્ટસના અમલીકરણ થકી તાલુકા-ગ્રામ્યકક્ષાએ પણ હવે લોકો માટેની સ્વાસ્થ્ય સુવિધાઓ સુલભ અને સુદ્રઢ બનશે

Share toજિલ્લાના પાંચ પ્રોજેક્ટસ મંજુર થતા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે “ટીમ નર્મદા” ને આપ્યા અભિનંદન

નીતિ આયોગના સીઈઓશ્રી અમિતાભ કાન્તના અધ્યક્ષસ્થાને નીતિ આયોગની એમપાવર કમિટીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ

રાજપીપલા,ગુરૂવાર :- નીતિ આયોગના સીઈઓશ્રી અમિતાભ કાન્તના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નીતિ આયોગની એમપાવર કમિટીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી. જેમાં ભારત સરકારના આરોગ્ય વિભાગના સેક્રેટરીશ્રી, શિક્ષણ વિભાગના સેક્રેટરીશ્રી, રૂરલ ડેવેલોપમેન્ટ વિભાગના સેક્રેટરીશ્રી, એગ્રીકલ્ચર વિભાગના સેક્રેટરીશ્રી, નર્મદા જિલ્લાના કેન્દ્રીય પ્રભારી સચિવ શ્રીમતી ડી.થારા અને જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી પી.ભારથી પણ જોડાયાં હતાં.
રાજપીપલામાં જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ પણ એમપાવર કમિટીની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયાં હતાં. એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગની એમપાવર કમિટી દ્વારા નર્મદા જિલ્લાને રૂા.૩.૦૦ કરોડનું એવોર્ડ ફંડ ફાળવીને જિલ્લામાં શિક્ષણ, પોષણ અને આરોગ્યક્ષેત્રમાં સુલભ સુવિધાઓમાં વધારો થાય તે માટે વધુ ૫ (પાંચ) પ્રોજેક્ટસને મંજુરી આપવામાં આવી છે. જેના થકી જિલ્લાના તાલુકા-ગ્રામ્યકક્ષાના લોકોને સમયસર અને સત્વરે અનેકવિધ સુવિધાઓનો લાભ મળી રહેશે.
(૧) નર્મદા જિલ્લાની ૧૦ પ્રાથમિક શાળાઓમાં ઈ-લર્નિગ સ્માર્ટ ક્લાસ બનાવવા તેમજ પ્રાથમિક શાળાઓનાં ૮૦ ઓરડાઓની મરામત નો પ્રોજેક્ટ : પ્રોજેક્ટ ની રકમ (રૂ.૧.૨૦ કરોડ)
નર્મદા જિલ્લામાં શિક્ષણની શ્રેષ્ઠતમ સુવિધા ઉપલબ્ધ થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે હેતુસર રૂા. ૩૧.૪૫ લાખના ખર્ચે જિલ્લાની ૧૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ શાળાઓ બનાવાશે જેમાં કોમ્પ્યુટર સીસ્ટમ, ઓડિયો વિડીયો વિઝ્યુઅલ પ્રોજેક્ટર, ગ્રીન બોર્ડ, સાઉન્ડ, માઇક જેવી અલાયદી સુવિધાઓ ઉપલબ્ધ ડીઝીટલ ટેકનોલોજીનાં માધ્યમથી સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાશે. આ ઉપરાંત જિલ્લાનાં જુદા જુદા તાલુકાઓની ૨૦ સરકારી શાળાઓના ૮૦ જેટલા વર્ગખંડોની મરામત કરી તેને અધ્યતન બનાવવાનાં રૂા.૮૮.૫૬ લાખના પ્રોજેક્ટને પણ નીતિ આયોગ દ્વારા મંજુરી મળતા જિલ્લાનાં અંદાજીત ૫ હજાર જેટલા બાળકોને તેનો સીધો ફાયદો મળી રહેશે.
(૨) દેડિયાપાડા તાલુકાનાં પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તિલકવાડાનાં બુજેથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ પૂરી પાડવાનો પ્રોજેક્ટ : પ્રોજેક્ટ ની રકમ (રૂ.૩૦.૩૨ લાખ) જિલ્લામાં આરોગ્યક્ષેત્રે તાલુકા-ગ્રામ્યક્ષેત્રના વિસ્તારો સહિત અંતિરયાળ અને છેવાડાના પ્રત્યેક લોકો સુધી સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પહોંચે અને હવે ઘર આંગણે જ સુલભ સુવિધાઓમાં વધારો થાય તે હેતુસર દેડીયાપાડાના પીપલોદ અને તિલકવાડાના બુજેઠા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂા. ૩૦.૩૨ લાખના ખર્ચે બેસિક લાઈફ સપોર્ટ માટે બે એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડવાનાં પ્રોજેક્ટને પણ નીતિ આયોગ દવારા મંજુરી મળતા આ વિસ્તારનાં ૪૩ હજાર કરતા વધુ લોકોને એમ્બ્યુલન્સ સુવિધાનો લાભ મળી શકશે. અકસ્માતનાં સમયે, પ્રસુતિનાં સમયે તેમજ અન્ય સંજોગોમાં દરદીઓને વિના મુલ્યે સમયસર સારવાર મળી રહેશે. એમ્બુલન્સ મારફતે પ્રસુતા મહિલાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સમયસર પહોચાડી પ્રસુતિ કરી શકશે જેથી સંસ્થાકીય પ્રસુતિની સંખ્યામાં વધારો થશે તેમજ બાળક અને માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
(૩) સગર્ભા બહેનોમાં એનેમિયાની સમયસર તપાસ અને નિદાન માટે હિમોગ્લોબીનોમીટરનો પ્રોજેક્ટ : પ્રોજેક્ટ ની રકમ (રૂ.૨૫.૨૦ લાખ) નર્મદા જિલ્લામાં સગર્ભા બહેનોમાં એનીમિયાનું પ્રમાણ વધુ છે ત્યારે સગર્ભા બહેનો ઘેર બેઠા જ સમયસર અને ચોક્કસ એનેમિયાની ચકાસણી સ્થળ પર જ સારવાર કરવા માટે ઉપયોગી હિમોગ્લોબીનોમીટર માટેના અગત્યના રૂા.૨૫.૨૦ પ્રોજેક્ટને મંજુરી મળતા જિલ્લાના ૧૭૪ જેટલા યુનિટો ખાતે સગર્ભા બહેનોના એનેમિયા ચકાસણીની પ્રક્રિયા સરળ બનશે અને તેનો લાભ જિલ્લાની અંદાજે ૧૧ હજારથી વધુ બહેનોને સ્થાનિક કક્ષાએ જ મળી રહેશે.
(૪) જિલ્લાનાં આંગણવાડી કેન્દ્રોને અદ્યતન બનાવવાનો પ્રોજેક્ટ : પ્રોજેક્ટ ની રકમ (રૂ.૭૬.૦૦ લાખ) નીતિ આયોગની એમ પાવર કમિટી દ્વારા નર્મદા જિલ્લાનાં ૭૬ આંગણવાડી કેન્દ્રોને અદ્યતન બનાવવા માટે રૂા.૭૬ લાખના પ્રોજેક્ટને પણ મંજુર કરવામાં આવેલ છે. જેથી ૭૬ જેટલી આંગણવાડીઓને અપગ્રેડ કરવામાં આવશે. જેનાથી ૦ થી ૬ વયના બાળકો સહિત કિશોરીઓ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓને મળી ૬,૫૦૦ જેટલા લાભાર્થીઓને તેનો સીધો લાભ થશે.
(૫) પ્રોજેક્ટ ઓન અર્લી ચાઈલ્ડહૂડ ડેવેલોપમેન્ટ (નવજાત શિશુની સારસંભાળ)નો પ્રોજેક્ટ : પ્રોજેક્ટ ની રકમ (રૂ.૪૮.૪૮ લાખ) નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાનાં ૯૨ ગામોનાં બાળકોને યોગ્ય સારવાર મળી રહે તે અને કુપોષણમાં ઝડપી ઘટાડો કરી શકાય તે માટે જિલ્લાનાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા અર્લી ચાઈલ્ડહૂડ ડેવેલોપમેન્ટ (નવજાત શિશુની સારસંભાળ)નો પ્રોજેક્ટની દરખાસ્ત નીતિ આયોગને મોકલી આપવામાં આવેલ હતી. જે કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. સદર પ્રોજેક્ટનાં અમલથી ૦ થી ૩ વયના અંદાજીત ૩૫૦૦ બાળકોને તેમના શરૂઆતનાં ૧૦૦૦ દિવસો સતત કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત સગર્ભા બહેનોની શરૂઆતનાં મહિનાઓથી ચોક્કસ કાળજી લઈ માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જુદી જુદી ઉક્ત પાંચ દરખાસ્તો તૈયાર કરી નીતી આયોગને મોકલી આપવામાં આવેલ હતી. જેની અગત્યતા અંગે પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક રજૂઆત કરી એમ પાવર કમિટીને વિસ્તૃત જાણકારી પુરી પાડી સમજુત કરવામાં આવ્યાં હતાં. આમ, ઉપરોક્ત પાંચેય પ્રોજેક્ટસની મંજૂરી થકી કુલ રૂા.૩.૦૦ કરોડના ખર્ચે જિલ્લાનાં લોકો માટેની સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનશે તેમજ જિલ્લામાં કુપોષણના પ્રમાણને ઝડપથી ઘટાડી શકાશે. શિક્ષણ સેકટરમાં મંજુર થયેલ દરખાસ્તનાં અમલીકરણથી સરકારી શાળાનાર બાળકોને તેનો સીધો લાભ થશે અને તેના કારણે વિદ્યાર્થીઓના લર્નિગ આઉટકમમાં વધારો થશે. તેમજ નીતિ આયોગના ઈન્ડીકેટર્સમાં પણ ઝડપી સુધારો થઇ શકશે અને જન સુખાકારીમાં પણ સર્વાંગી વિકાસ સાધી શકાશે.
જિલ્લાનાં તમામ પ્રોજેકટ્સ મંજુર થતા જિલ્લા કલેકટરશ્રી. ડી.એ.શાહે પ્રોજેક્ટ તૈયાર કરનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામિત, જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ક્રિશ્નાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઇ પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડે અને રીસર્ચ ઓફિસરશ્રી એ.આર.શેખ તથા સમગ્ર “ટીમ નર્મદા”ને અભિનંદન પાઠવ્યાં હતાં.


Share to