“ આંતરરાષ્ટ્રીય વન દિવસ ” નિમિતે અંકલેશ્વર વનવિભાગે પક્ષીઓ માટે માટીના ૫૦૦ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

Share to


ભરૂચ:સોમવાર:- ૨૧ માર્ચ “આંતરરાષ્ટ્રીય વન દિવસ” નિમિતે અંકલેશ્વર વનવિભાગ અને યુપીએલ કંપનીના સંયુક્ત ઉપક્રમે જીઆઇડીસી વિસ્તારમાં માનવ મંદિર પાસે પક્ષીઓ માટે પાણીના ૫૦૦ માટીના કુંડાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ અંકલેશ્વરના આરએફઓ ડી.વી.ડામોર અને યુપીએલ કંપનીના સીએસઆર મેનેજર નાથુભાઈ ડોડીયા તેમજ વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોની જાળવણી માટે, વર્ષ ૧૯૭૧ માં, યુરોપિયન કૃષિ સંગઠનની ૨૩ મી સામાન્ય સભામાં, દર વર્ષે ૨૧ માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને પણ જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ૨૧ માર્ચે વિશ્વ વન્યજીવન દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવા સંમતિ આપી હતી.


Share to