નર્મદા જિલ્લાની નામના:નીતિ આયોગના એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામની કામગીરીમાંદેશના ૧૧૮ જિલ્લાઓમાં નર્મદા જિલ્લો અગ્રસ્થાને

Share to



પ્રોગ્રામ હેઠળ શિક્ષણના ક્ષેત્રમાં જિલ્લાની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવવા નીતિ આયોગે ફાળવી ત્રણ કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન

જિલ્લા કલેકટરશ્રી ના નેતૃત્વ હેઠળ થયેલા ઉમદા કામગીરીની નોંધ લેવા રાજ્યના
મુખ્ય સચિવશ્રી ને કરવામાં આવી ભલામણ

સર્વશ્રેષ્ઠ કામગીરી માટે ટીમ નર્મદાના પરિશ્રમી કર્મયોગીઓને
અભિનંદન: જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ

રાજપીપલા, ગુરૂવાર :- માં નર્મદાના અહર્નિશ આશિષ પામેલા નર્મદા જીલ્લાએ જિલ્લાને સરકારની યોજના હેઠળ સુખસુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીયસ્તરે નામના મેળવીને ગુજરાતની નામના વધારી છે. માળખાકીય સુવિધાઓ અને સગવડો ઓછી છે એવા દેશના ૧૧૮ જિલ્લાઓમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગે એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે.તેના અમલીકરણમાં નર્મદા જિલ્લો આ તમામ ૧૧૮ જિલ્લાઓમાં અગ્રસ્થાને છે જે ગૌરવ લેવા યોગ્ય બાબત છે.તેના સુરેખ અમલ માટે જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના ઉત્સાહવર્ધક અને પ્રોત્સાહક નેતૃત્વ હેઠળ ટીમ નર્મદા સતત કાર્યશીલ છે.

આ પ્રોગ્રામ હેઠળ શિક્ષણના વિષયમાં ટીમ નર્મદાએ નેત્રદિપક કામગીરી કરી હોવાની ખુશાલી,આ પ્રોગ્રામના મિશન ડાયરેક્ટર શ્રી રાજીવ રંજને એક પત્ર પાઠવીને ગુજરાતના મુખ્ય સચિવ શ્રીમાન પંકજ કુમાર સમક્ષ વ્યક્ત કરી છે. તેના શિરપાવ રૂપે નીતિ આયોગે નર્મદા જિલ્લાને વધારાનું રૂ.૩ કરોડનું અનુદાન ફાળવવાની જાહેરાત કરી છે.અગાઉ ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ શિક્ષણના નવીનીકરણ માટે રૂ.૬ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.
એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ શિક્ષણના વિષયમાં થયેલી નમૂનેદાર કામગીરીનો હર્ષ વ્યક્ત કરતાં જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે જણાવ્યું કે શિક્ષણનું ઘણું સારું કામ નર્મદા જિલ્લામાં થયું છે.જિલ્લાની ૧૧૮ સરકારી પ્રાથમિક શાળાઓમાં તેના હેઠળ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. તેનાથી શિક્ષણ સુધારણામાં જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે. હું ટીમ નર્મદાના અથાક પરિશ્રમને બિરદાવું છું તેમની કામગીરી સર્વશ્રેષ્ઠ રહી છે. મિશન ડાયરેક્ટરના પત્રમાં નર્મદા જિલ્લાના કલેક્ટરશ્રી ડી. એ. શાહ અને તેમની ટીમની આ ઉત્તમ કાર્યશીલતાની નોંધ લેવાની પ્રોત્સાહક ભલામણ કરવામાં આવી છે.
આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા જિલ્લાઓએ વિવિધ ક્ષેત્રોમાં સાધન સુવિધા વધારવા એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવાની હોય છે અને નીતિ આયોગનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ એકમ સંબંધિત જિલ્લાને બહેતર આયોજન કરવાનું માર્ગદર્શન આપે છે. નર્મદા જિલ્લો તેના હેઠળ કામગીરીના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુખસુવિધાસંપન્ન નર્મદા જિલ્લાના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે.


Share to