ઝઘડીયાના નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં વૃક્ષો કાપી નાંખવા બાબતે વિવાદ….ગ્રામ પંચાયતના સરપંચે પૂર્વ પરવાનગી વિના વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો બે પંચાયત સભ્યોએ આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચે પૂર્વ પરવાનગી વિના વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો બે પંચાયત સભ્યોએ આક્ષેપ કર્યો

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 16-03-22

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે ગ્રામ પંચાયતના સરપંચે ગોચરની જમીનમાં રહેલા વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યોએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. નાનાસાંજા ગ્રામ પંચાયતના ચુંટાયેલા બે સભ્યો ભરતભાઇ પટેલ અને કમલેશભાઇ વસાવાએ ઝઘડીયા મામલતદારને લેખિતમાં રજુઆત કરી હતી કે ગામની સર્વે નંબર ૧૬૭ વાળી ગોચરની જમીનમાં બાવળ, લીમડો તેમજ સમડીના કુલ મળીને ૧૪ જેટલા ૨૫ થી ૩૦ વર્ષ જુના વૃક્ષો આવેલા હતા.

આ વૃક્ષોને નાનાસાંજા ગ્રામ પંચાયતના સરપંચ જશવંતભાઇ નટવરભાઇ વસાવા અને સભ્ય રમેશભાઇ છોટુભાઈ વસાવાએ કોઇપણ જાતની પૂર્વ પરવાનગી લીધા વિના તેમજ કોઇપણ સરકારી કચેરીને જાણ કર્યા વિના ગોચરમાં ઉભા રહીને કપાવી નાંખ્યા છે. આ બે પંચાયત સભ્યોએ રજુઆતમાં વધુમાં જણાવ્યુ હતુ કે તેમણે આ બાબતની જાણ ગ્રામ પંચાયતના તલાટીને પણ કરી હતી, છતાં તલાટી દ્વારા કોઇ તપાસ કરવામાં નથી આવી કે તેમના દ્વારા કોઇ ઉપરી અધિકારીને આ બાબતે જાણ કરવામાં નથી આવી. તેથી વૃક્ષો કાપવા બાબતે તલાટી પણ સરપંચ સાથે સામેલ હોય તેવો આક્ષેપ કરાયો છે. ઉપરાંત કાપેલ વૃક્ષો વેચી દેવાયા હોઇ તેના તમામ પૈસાની રીકવરી કરીને યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી હતી. આ રજુઆતની નકલ પ્રાન્ત અધિકારી ઝઘડીયા, તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયા, ફોરેસ્ટ અધિકારી ઝઘડીયા તેમજ જિલ્લા કલેક્ટર ભરુચને પણ મોકલવામાં આવી હતી. નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા સમગ્ર તાલુકામાં આ બાબતે ચકચાર મચી જવા પામી હતી.


Share to

You may have missed