જૂનાગઢ તા.૧૪ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ખેડૂત ખેતી સાથે દુધાળા પશુઓ રાખી પુરક આવક મેળવે છે. પુરક આવક વધારવા સાથે ખેતી અને પશુપાલન વ્યવસાયને સાંકળી મેંદરડાના અંબાળા ખાતે ૩૦૦ જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજવામાં આવી હતી.
દુધાળા પશુઓની માવજત, પશુ ઓલાદ સુધારણા સહિતની બાબતોને આવરી લઇ જિલ્લા પંચાયત પશુપાલન શાખા આયોજીત શિબિરમાં પશુપાલન વ્યવસાયને આર્થિક રીતે સબળ બનાવવા મંથન કરાયું હતું. ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ આ શિબિરનું ઉદ્વઘાટન કરી કહ્યું કે, પશુપાલન વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાની જરુરીયાત છે.
નાયબ પશુપાલન નિયામક ડો.પાનેરા તેમજ ડો.ચાપડિયા, ડો.ગજેરા, ડો સોલંકી, ડો.ચોચાએ પશુ સંવર્ધન, પશુ સ્વાસ્થ્ય, પશુ પોષણ અને ખેતી સાથે ગામડાને આત્મનિર્ભર કરવા પશુપાલન અને ખેતીના વ્યવસાયનું અસરકારક સંયોજન જરૂરી છે તેમ જણાવ્યુ હતુ. પશુપાલનથી માત્ર દુધ જ નહિં પરંતુ ખેતી માટે ઉપયોગી દેશી ખાતર પણ મળે છે. ઉત્પાદન વધારવા દેશી ખાતર ખુબ ઉપયોગી પુરવાર થાય છે.
આ શિબિરમાં મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ વીનુભાઇ રાજાણી, ઉપપ્રમુખ ભરતભાઇ ખુમાણ, અગ્રણી પ્રભાતભાઇ બકોત્રા, ભુપતભાઇ કુંભાણી, દિપકભાઇ મકવાણા, અંબાળાના સરપંચ કમલેશભાઇ રાદડિયા સહિત ખેડૂતો-પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરને સફળ બનાવવા મેંદરડા પશુદવાખાનુ તેમજ પશુપાલન વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news